અમદાવાદની પોળના ઉત્તરાયણની ઉજવણી માટે મકાનના ધાબાનું એક દિવસનું ભાડુ ₹ ૭૫ હજાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : શહેરના કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાઓનો ભાવ આ વર્ષે ઊંચકાયો છે. એક જ દિવસનું ભાડું ૭૫ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદ શહેરના રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ વર્ષોથી છે. અહીં એક દિવસનું ભાડુ ૨૦ થી ૪૫ હજાર સુધી છે. એટલે કે, બે દિવસનું ગણો એટલે સ્વાભાવિક રીતે જ ૭૦ થી ૮૦ હજાર થઈ જાય. દેશ વિદેશથી અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવવા આવતા લોકોમાં મકાનના ધાબા ભાડે રાખવાનો ક્રેઝ છે. દર વર્ષે ઉત્તરાયણે કોટ વિસ્તારમાં બે હજારથી વધુ ધાબા ભાડે આપાય છે. ઉત્તરાયણ પહેલા પોળમાં ધાબાનું એડવાન્સ બુકિંગ થઈ જાય છે. તેમજ ધાબા ઉપર ખુરશી, છત્રી, પાણી અને ગાદલાની સુવિધા ઊભી કરવામાં આવે છે. કેટલાક ધાબા ઉપર મોર્નિંગ બ્રેકફાસ્ટથી લઇ રાતના ડિનર પણ પીરસવામાં આવે તેવા આયોજન સાથે પણ ભાડે આપવામાં આવી રહ્યા છે.