મિત્રના પુત્રના બેસણામાં હાજરી આપવા આમિર ખાન ભુજના કોટાય ગામ આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા આમિર ખાન આજે સરહદી જિલ્લા કચ્છમાં રહેતાં તેમના મિત્રના યુવાન પુત્રના માર્ગ અકસ્માતમાં નીપજેલા મૃત્યુના પગલે ચાર્ટર પ્લેનમાં વહેલી સવારે ભુજ આવ્યા હતા અને ત્યારબાદ ભુજ તાલુકાના કોટાય ગામમાં રહેતાં તેમના લગાન ફિલ્મના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા ગાઢ મિત્ર ધનજીભાઈ ચાડ (આહીર)ના પુત્ર મહાવીરના બેસણાંમાં હાજરી આપીને મિત્રના દુ:ખમાં સહભાગી થયા હતા.
જૂન ૨૦૦૧માં રિલીઝ થયેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ ભૂકંપ અગાઉ ભુજ તાલુકાના કુનરીયા ગામમાં મોટો સેટ બનાવીને થયું હતું. ફિલ્મના શૂટિંગ સમયે લાઈન પ્રોડ્યુસર તરીકે ધનજીભાઈએ ગ્રામ્ય શૈલીનો અદભુત સેટ ઊભો કરવાથી લઈ શૂટિંગ માટે આવેલા ક્રુ મેમ્બરોને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. તે સમયથી ધનજીભાઈ આમીર ખાનના ખાસ પારિવારીક મિત્ર બની ગયા હતા. વર્ષ ૨૦૦૧માં કચ્છને તારાજ કરનારા મહાભૂકંપમાં ભાંગેલા કુનરિયા ગામના લગાનમાં અભિનય કરનારા સાત લોકોને આમિર ખાને ૩૦-૩૦ હજાર રૂપિયાની રોકડ સહાય પણ મોકલાવી હતી.
ગત બુધવારે રાત્રે ધનજીભાઈ ચાડનો ૩૯ વર્ષિય પુત્ર મહાવીર કાર લઈને માઉન્ટ આબુ તરફ જઈ રહ્યો હતો ત્યારે ડીસા નજીક સોતમલા પાટિયા પાસે આગળના વાહનની પાછળ તેની જીપકાર ટકરાતાં સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં મહાવીરનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના અંગે જાણ થતાં ગત રાત્રે આમીર ખાને ફોન કરી ધનજીભાઈને આશ્વાસન આપ્યું હતું અને આજે સવારે મુંબઈથી ખાસ ચાર્ટર ફ્લાઈટમાં ભુજ આવી કોટાય ગામે પહોંચી બેસણાંમાં હાજરી આપી હોવાનું સદગતના મોટા ભાઈ હીરાભાઈ ચાડે જણાવ્યું હતું.