પંચમહાલમાં ઘોઘંબા તળાવ પાસેનાખાડામાં ડૂબી જતાં ચાર બાળકોનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પંચમહાલમાં ઘોઘંબા તળાવ પાસેના ખાડામાં રમતાં રમતાં પડી જતાં ચાર બાળકોના મોત નીપજ્યાં હતાં. ગામમાં આવેલા તળાવનું તંત્ર દ્વારા કામકાજ ચાલી રહ્યું હતું. જે માટે તળાવની બાજુમાં દસેક ફૂટ ઊંડો ખાડો ખોદી પાણી ભરવામાં આવ્યું હતું. ઊંડો ખાડો ખોદ્યા છતાં તેની આજુબાજુ કોઇ બેરિકોટ બનાવવામાં આવ્યા ન હોવાથી ઘટના ઘટી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતાં. આ અકસ્માત બાદ પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલમાં ઘોઘંબા તળાવ પાસેના ખાડામાં ગામનાં કેટલાંક બાળકો રમતાં રમતાં આ જગ્યા પર આવ્યાં હતાં. તેમનો પગ લપસતા ચારેય બાળકો દસ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઇ જતા તેમની સાથેના બાળકે આ અંગે તેમના પરિવારને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાની મદદથી આ બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
આ દુર્ઘટનામાં સંજય બારીયા (ઉં.વ.૧૦), રાજુ બારીયા (ઉં.વ. ૧૧ વર્ષ), પરસોત્તમ બારીયા (ઉં.વ.૯) અને અંકિત બારીયા (ઉં.વ.૧૧ વર્ષ)ના મોત થયા હતા. જેમાં ૧૦ વર્ષીય સંજય બારીયા અને પરસોત્તમ બારીયા પરિવારના એકના એક જ સંતાન હતા.
આ દુર્ઘટના બાદ ગામ લોકોમાં રોષ ફેલાયો હતો. તેઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા અહીં તળાવનું કામ કરવામાં આવી રહ્યું છે. જે માટે અહીં ૧૦ ફૂટ જેટલો ઊંડો ખાડો કરીને તેમાં પાણી ભરેલું છે, પરંતુ કોન્ટ્રોક્ટરની બેદરકારીને કારણે આટલા મોટા ખાડાની આસપાસ બેરીકોટ પણ લગાવવામાં આવ્યા ન હતા. જેના કારણે અમારાં બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.