આપણું ગુજરાત

ગુજરાતના મહિલા સ્વસહાય જૂથો સ્વચ્છતા જાગૃતિ ચેમ્પિયન: રાજ્યમાં વધુ બે માસ ઝુંબેશ ચાલુ રખાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સ્વચ્છતા હી સેવા પખવાડિયાથી શરૂ થયેલી ઝુંબેશ રાજ્ય સરકારે ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ગુજરાતના મહિલા સ્વસહાય જૂથોને તાલીમ આપીને સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિના ચેમ્પિયન બનાવવા માટેના સક્રિય પ્રયાસો હાથ ધરી ગુજરાતના ૧૭,૪૨૫ મહિલા સ્વસહાય જૂથોને સ્વચ્છતા ચેમ્પિયન્સ બનાવ્યા છે.

આ મહિલા સ્વસહાય જૂથોએ ગ્રામ્ય વિસ્તારના ૪ લાખ ઘરો સુધી પહોંચીને સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે. સ્વચ્છ ભારત મિશન -ગ્રામીણ દ્વારા સંચાલિત આ તાલીમનો ઉદ્દેશ મહિલાઓને સ્વચ્છતા જાળવવા અંગે જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાનો હતો, જેથી તેઓ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી શકે, ઘન અને પ્રવાહી કચરાનું અસરકારક વ્યવસ્થાપન કરી શકે અને તેઓની સંબંધિત કોમ્યુનિટીમાં સેગ્રીગેશન શેડ્સની કામગીરીનું નિરીક્ષણ કરી શકે.

સ્વસહાય જૂથોની મહિલાઓને તાલીમબદ્ધ કરવા માટે તાલીમ સત્રોને ત્રણ મુખ્ય મોડ્યુલમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, અને આ દરેક મોડ્યુલ સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અભિયાનના ચોક્કસ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ત્રણ મોડ્યુલ્સ નીચે મુજબ છે. જાગૃતિને પ્રોત્સાહન (અવેરનેસ પ્રમોશન) સ્વચ્છતા પ્રત્યે આપણી જવાબદારીની ગહન સમજ કેળવવા માટે તાલીમ સત્રના સહભાગીઓએ સ્વચ્છતાનું મહત્ત્વ અને ખુલ્લામાં શૌચની પ્રતિકૂળ અસરો અંગે એક સઘન વર્કશોપનું આયોજન કર્યું હતું. તાલીમાર્થીઓને શીખવાડવામાં આવ્યું કે તેઓ શેરી નાટકો, પેમ્ફલેટ્સ અને કોમ્યુનિટી મીટિંગ્સ જેવા વિવિધ માધ્યમો દ્વારા તેમના સમુદાયમાં આ સંદેશાઓનો કેવી અસરકારક રીતે સંચાર કરી શકે છે. ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન (સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ) મહિલાઓને કચરા અલગ કરવાનું, કમ્પોસ્ટિંગ અને રિસાયક્લિંગ કોન્સેપ્ટનો પરિચય આપવામાં આવ્યો હતો.

તેઓને વિવિધ પ્રકારના કચરાને કેવી રીતે ઓળખી શકાય અને તેના સંગ્રહ, નિકાલ અને રિસાયક્લિંગ માટેની યોગ્ય પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. સેગ્રીગેશન શેડ્સનું સંચાલન કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવ્યું હતુ. કચરાનું કાર્યક્ષમ અલગીકરણ (સેગ્રીગેશન) સુનિશ્ર્ચિત કરવા માટે સ્વસહાય જૂથના સભ્યોને તેમના સમુદાયોમાં સેગ્રીગેશન શેડની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેઓએ અલગીકરણની પ્રક્રિયા, તેના માટે જરૂરી સાધનો અને તેનો રેકોર્ડ રાખવાનું શું મહત્ત્વ છે તે વિશે જાણકારી મેળવી હતી.

મહિલા જૂથોએ ૪ લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું હતુ. તાલીમ સત્રો પૂર્ણ થવાની સાથે રાજ્યના ૧૭, ૪૨૫ મહિલા સ્વસહાય જૂથો સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ના ચેમ્પિયન્સમાં પરિવર્તિત થયા હતા.

જ્ઞાન, કૌશલ્ય અને દ્રઢ નિશ્ર્ચયથી સજજ તેઓ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતપોતાના સમુદાયોમાં પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓએ એક સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું જેમાં ગામડાઓમાં ઘરે-ઘરે સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું અને ૪ લાખથી વધુ ગ્રામીણ ઘરો સુધી પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button