એલસીબી સ્ક્વોડે છ શસ્ત્ર સોદાગરોની ધરપકડ કરી ૯ પિસ્તોલ, ૧ રિવોલ્વર, ૬૪ કારતૂસો પકડી
અમદાવાદ:એલસીબી સ્કવોડે અમદાવાદમાંથી છ ની ધરપકડ કરી તેમની પાસેથી હથિયારો જપ્ત કયાર્ં હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. શહેરના ડીસીપી ઝોન સાતની ટુકડીને એક મોટી સફળતા મળી હતી જેમાં નવ પીસ્ટલ એક રિવોલ્વર અને ૬૪ કારતૂસો સાથે છ આરોપીની ધરપકડ કરાઇ હતી. આ તમામ હથિયારો ઇન્દોરથી લાવીને અમદાવાદમાં વેચાવાના હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આરોપીઓ શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરહાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીદ પઠાણ અને શાહરૂખ પઠાણ છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વિશાલા હોટલ નજીક અમુક વ્યક્તિ હથિયારો લઈને આવી રહ્યો છે જેના આધારે શાહનવાઝ એક હથિયાર અને કારતૂસ સાથે પકડાયો હતો.
તેની તપાસમાં સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર તેની પાસેથી લીધા હોવાનું શાહનવાઝે કબૂલ કરી બીજાં ૯ હથિયાર ફરાન પઠાણ પાસે હોવાની કબૂલાત કરી હતી. જેથી એલસીબીએ ફરાન સુધી પહોંચી અન્ય ૩ લોકો પાસે પહોંચી આખા નેટવર્કનો ખુલાસો કરી અન્ય ત્રણ લોકોને હથિયારો સાથે ઝડપ્યા હતા. ઝોન સાત એલસીબી સ્ક્વોડે આરોપી સમીરની તપાસ કરતાં સામે આવ્યું કે મૂળ ઇન્દોરના રહેવાસી અને સમીરના ગામનો આફતાબ આ હથિયાર મોકલતો હતો..સમીર બાય રોડ ટોસ્ટ ના પાર્સલમાં બે હથિયાર મૂકીને અમદાવાદ લાવીને ફરહાનને આપતો હતો. હથિયારની એક ડિલિવરી માટે સમીરને પાંચ હજાર મળતા હતા જ્યારે ફરહાન રૂ. ૨૫ હજારનું હથિયાર લોકોને ૫૦ હજાર સુધીમાં વેચી દેતો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી સમીરે ૧૫ જેટલી ટ્રીપ મારી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે.