Video: અમદાવાદમાં ઘૂંટણસમા પાણીમાં પણ ડિલિવરી પર્સને ફૂડ ડિલીવર કર્યું, લોકોએ બિરદાવ્યો
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં અનરાધાર વરસાદ (Gujarat Rain) પડી રહ્યો છે, જેના કારણે ગુજરાતના દરેક શહેરમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા ઉભી થઇ હતી. અતિ ભારે વરસાદને કારણે અમદવાદના રસ્તાઓ પર પણ પાણી ભરાયા (Waterlogged in Ahmedabad) હતા. સરકારે લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સુચના આપી હતી. એવામાં ગીક વર્કર્સ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કામ કરતા જોવા મળ્યા હતા. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઝોમેટો ડિલીવરી પર્સન (Zomato Delivery person) ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઇને ફૂડ ડિલીવર કરી રહ્યો છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો અમદાવાદનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ભારયેલા છે. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા વાહનો પણ પાણીમાં થોડા ડૂબી ગયા છે. આ પાણીમાં એક ડિલિવરી પર્સન ચાલતો જોવા મળે છે, જે ઓર્ડર કરેલું ફૂડ ગ્રાહક સુધી પહોંચાડવા જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે, અને ડિલિવરી પર્સનને બિરદાવી રહ્યા છે.
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર @T_Investor_ એકાઉન્ટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ઝોમેટો ફૂડ ડિલિવરી કરી રહ્યું છે. હું દીપેન્દ્ર ગોયલને વિનંતી કરું છું કે આ મહેનતુ ડિલિવરી પર્સનને શોધી કાઢો અને તેની નિષ્ઠા બદલ યોગ્ય પુરસ્કાર આપો.’
વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ઝોમેટો પર કેસ થવો જોઈએ, આવી કુદરતી આફતોમાં કંપની કર્મચારીઓને જોખમમાં મૂકી રહી છે, કોઈએ લખ્યું- આવી સ્થિતિમાં ડિલિવરી બંધ રાખવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું- આટલા વરસાદમાં ફૂડ કોણે ઓર્ડર કર્યું? એક યુઝરે લખ્યું – તેમના સમર્પણ માટે તેમને સલામ. અન્ય યુઝરે લખ્યું- તેને મેનેજર બનાવો.