જિંદગી હમે તેરા ઐતબાર ના રહાઃ પતિ-પત્નીના સંબંધોમાં આ રીતે વિલન બની રહ્યો છે મોબાઈલ
અમદાવાદઃ સામાન્ય રીતે મોબાઈલને લીધે બાળકો કે યુવાનો બગડી જતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વાસ્તવમાં મોબાઈલ એક નિર્જીવ સાધન છે જે ટેકનોલોજીના સહારે ચાલે છે, પરંતુ માણસ તરીકે આપણી મર્યાદાઓને લીધે તે આજે આર્શીવાદને બદલે અભિશાપ બની ગયો છે. આ વાતની સાબિતી એક અહેવાલ આપી રહ્યો છે. ગુજરાતમાં ખાસ મહિલાઓ માટે કામ કરતી અભયમ હેલ્પલાઈનને થોડા દિવસો પહેલા એક ફોન આવ્યો હતો, જેમાં મહિલાએ પતિએ મારઝૂડ કર્યાની ફરિયાદ કરતા ટીમ તેમના ઘરે ગઈ. ત્યારે પતિએ જણાવ્યું કે પત્ની છેલ્લા મહિનાઓથી આખી રાત સૂતી નથી અને પતિનો મોબાઈલ ફોન ચેક કરે છે. તમામ કૉલ્સ, તેના ડ્યૂરેશન ટાઈમ, સોશિયલ મીડિયા પર કોને લાઈક કર્યા કોણ નવા ફ્રેન્ડ બન્યા વગેરે તમામ ડિટેઈલ્સ ચેક કરી સવારે આ મામલે સવાલો કરે છે અને તે બાદ ઝગડા થાય છે. સતત જાગતા રહેવાથી તેની માનસિક હાલત પણ કથડી ગઈ છે. આ એક માત્ર કેસ નથી અભયમને દિવસભરમાં આવતા કુલ કૉલ્સમાંથી ઓછામાં ઓછા બે કૉલ્સ આવે છે, જેમાં લગ્નેત્તર સંબંધોને લીધે અનુભવાતી માનસિક તાણની સમસ્યા વધારે હોય છે. દર મહિને લગભગ 750 ફોન કૉલ્સ આવે છે, જેમાં ઘરેલું હિંસા અને જાતીય સતામણી બાદ આવા કૉલ્સનો ક્રમ છે.
સામાન્ય શક સુધી તો વાત ઠીક છે, પરંતુ કાઉન્સેલરના જણાવ્યા અનુસાર મોટા ભાગના લોકો, પતિ અથવા પત્ની પેરાનોઈયાથી પીડાઈ છે. આ એક એવી સ્થિતિ છે જેમાં તમને સતત એક વાતનો ડર લાગ્યા કરે છે, પછી તે વાતના કોઈ પુરાવા તમારી પાસે હોય કે ન હોય શક કરવાનું ચાલુ રહે છે. આ સ્થિતિનો સામનો કામ કરતી મહિલાઓ વધારે કરી રહી છે. જો ઘરે પુરુષકર્મીનો ફોન આવે, કે તેની સોશિયલ મીડિયા પર કોઈ પૉસ્ટ લાઈક કરવામાં આવે કે પછી તે પત્નીનો કોઈ ફોટો લાઈક કરે કે તેના પર કૉમેન્ટ કરે તો પણ ઝગડા થતાં હોવાનું કાઉન્સેલર્સને કાઉન્સેલિંગ સમયે જાણવા મળ્યું છે.
કાઉન્સેલર્સના જણાવ્યા અનુસાર એકબીજા પર વિશ્વાસનો અભાવ મહત્વનો ભાગ બને છે. આ સાથે મોબાઈલ ફોન ખૂબ પર્સનલ વસ્તુ હોવાથી તેને પતિ કે પત્નીએ કેટલી છૂટ લેવી તે દરેક દંપતીની વ્યક્તિગત પસંદગી હોય છે. છતાં કાઉન્સેલર એવી સલાહ આપે છે કે જો કંઈ છુપાવા જેવું ન હોય તો પાસવર્ડ રાખવો કે પતિ અથવા પતિને ન આપવો વગેરે ટાળવું જોઈએ. જ્યારે એવી દલીલો પણ થઈ રહી છે કે દરેક વખતે લગ્નેત્તર સંબંધોને લીધે જ પાસવર્ડ કે ગુપ્તતા રાખવામાં આવે છે તેમ નતી હોતું, પરંતુ પૈસાની બાબતો કે અન્ય બાબતો પણ એકબીજા સાથે શેર ન કરવી હોવાથી પણ એકબીજાના ફોન ચેક કોઈ કરે તે ગમતું નથી.
જોકે આ માટે મોબાઈલ ફોનને જવાબદાર ગણવો યોગ્ય નથી. આ બધાના મૂળમાં એકબીજા પરનો ઓછો થતો વિશ્વાસ અને એકબીજાને પ્રાઈવસી ન આપવાની માનસિકતા વધારે જવાબદાર છે. મોબાઈલ પહેલા પણ સામા પાત્ર પર શક કર્યાના કિસ્સા બની ચૂક્યા છે અને ઘણા પરિવારો વિખેરાઈ ગયાની ઘટનાઓ પણ બની છે.