આપણું ગુજરાત

મહાત્મા મંદિર ખાતે આજે `યુવા સાંસદ 2024′ કાર્યક્રમ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2024' સંકલ્પને સાકાર કરવા દેશના યુવાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનની સિદ્ધિ સુધી પહોંચાડવા ગુજરાતનું યોગદાન વિશેષ રહે તે માટેયુવા સાંસદ’ કાર્યક્રમ મહત્ત્વનું પ્લેટફોર્મ સાબિત થશે તેમ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કર્ષ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું આવ્યું છે. દેશ જ્યારે વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે ત્યારે સર્વાંગી વિકાસ થાય તે અતિ મહત્ત્વનું છે. વિશ્વમાં ભારત દેશ સૌથી વધુ યુવા વસતી ધરાવતો દેશ છે ત્યારે આજે તા. 9મી માર્ચ 2024ને શનિવારના રોજ સવારે 9.00 કલાકે મહાત્મા મંદિર, ક્નવેન્શન સેન્ટર ખાતે “યુવા સાંસદ – 2024” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ યુવા સાંસદ-2024નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજનાર છે. જ્યારે સમાપન સમારોહ સાંજે 5-00થી 6-00 કલાક દરમિયાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી, સાંસદસભ્ય સી.આર.પાટીલ સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં થનાર છે.
આજનો યુવા દેશની આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે યુવા પેઢીમાં સ્વ-શિસ્તની ભાવના, વિવિધ અભિપ્રાયો પ્રત્યેની સહિષ્ણુતા, વિચારોની પ્રામાણિક અભિવ્યક્તિ અને લોકતાંત્રિક જીવનશૈલીના અન્ય ગુણો કેળવાય તેવો આશય આ કાર્યક્રમનાં આયોજન થકી ચરિતાર્થ થશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ, ચર્ચા અને વાદ-વિવાદની તક્નીકોથી પણ માહિતગાર થશે. સાથે સાથે તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વની ગુણવત્તા અને અસરકારક વક્તૃત્વની કળા અને કૌશલ્યનો પણ વિકાસ થશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button