ગુજરાતમાં 2025ને આવકારવા યુવાનોમાં થનગનાટ, ફાર્મ હાઉસ અને ડીજે પાર્ટીઓમાં હૈયે હૈયું દળાયું
અમદાવાદઃ વર્ષ 2025ને આવકારવા યુવાનોમાં થનગનાટ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક શહેરોમાં 31 ડિસેમ્બરને બાય બાય અને 2025ને વેલકમ કરવા યુવાનો ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તથા જાહેર સ્થળોએ ઉમટી પડ્યા છે. ડીજેના તાલ સાથે યુવાનોએ સેલિબ્રેશન શરૂ કર્યુ હતું. જે પણ જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી છે.
અમદાવાદમાં રાત્રે 9 વાગતાં જ સીજી રોડ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જી રોડ પર સેકટર 1 જેસીપી નીરજ બડગુજર, ઝોન 1 ડીસીપી બલરામ મીણા અને ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ સહિત 2 એસીપી, પાંચ પીઆઇ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સેલિબ્રેશન પાર્ટી પ્લોટ સ્થિત કેસરિયા ન્યૂ યર પાર્ટી પ્લોટને પોલીસ મંજૂરી ન હોવાથી પાર્ટી શરૂ કરવા દેવામાં આવી નહોતી.
Also read:અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટોઃ પૂર્વ અમદાવાદમાં હળવો વરસાદ
થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જળવાઈ રહે એ માટે પોલીસ દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી રાજયના તમામ શહેરોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર ટ્રાફિકજામ ન થાય તે માટે પોલીસ પણ તૈનાત થઈ ચૂકી છે. આ ઉપરાંત થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈ બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલા લોકોને પકડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.