Rajkot: દિવાળીની રાત થઈ રક્ત રંજીત, ફટાકડા ફોડવા મુદ્દે થયેલી માથાકૂટમાં યુવકની હત્યા

Latest Rajkot News: સમગ્ર દેશ દિવાળીના પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરી રહ્યો હતો ત્યારે રાજકોટમાં દિવાળીની ઉજવણી એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ હતી. દિવાળીની રંગીન રાત રાજકોટમાં રક્ત રંજીત થઈ હતી. દિવાળીની રાત્રે રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલ સર્વેશ્વર ચોક નજીક બલીસ પંજાબી ઢાબા નજીક કાર્તિક સરવૈયા,પ્રકાશ સરવૈયા અને કેતન વોરા નામના યુવકો ફટકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન ત્યાં આવેલા બલિસ પંજાબી ઢાબાના માલિક દ્વારા ત્રણેય યુવકો સાથે બોલાચાલી કરવામાં આવી હતી.
આ બોલાચાલી એટલી હદે ઉગ્ર થઈ હતી કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બલીસ પંજાબી ઢાબાના માલિક અમનદીપ ઉર્ફે બલી પાજી દ્વારા ફટાકડા ફોડવા જેવી બાબતે યુવકો ઉપર જીવલેણ હુમલો કરતાં પ્રકાશ સરવૈયા નામના યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :પદ્મિનીબા વાળાએ લૉરેન્સને આપી ચેતવણી, કહ્યું- બેટા તું એક વાર સામે આવ, તને….
પોલીસે હત્યારાને પકડવા ટીમો કામે લગાડી
ઘટનાના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યારાને પકડવા હ્યુમન સોર્સિસ સહિતની ટીમોને કામે લગાડી વધુ તપાસ હાથ ધરી હતી.