જુગારમાં હારી જતા રાજકોટમાં 20 વર્ષના યુવકે ભર્યું અંતિમ પગલું
રાજકોટ: યુવાનોમાં ઓનલાઇન જુગારનું ચલણ ખૂબ જ વધતું જઈ રહ્યું છે અને તેની જાળમાં અનેક લોકોને આર્થિક નુકલસમ ભોગવવાનું પણ થાય છે. જો કે ઓનલાઇન જુગારની રમતમાં આર્થિક સંકટમાં ફસાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ સમાજની સામે પ્રશ્નો ઊભા કરે છે. રાજકોટના 20 વર્ષીય યુવકે ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. યુવકની સુસાઇડ નોટ મળી આવી છે જેમાં ઓનલાઈન ગેમમાં મોટી રકમ ગુમાવી દેતા આ પગલું ભયુ હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના જામનગર રોડ આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય યુવાને ઘરે જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. યુવકના મોબાઈલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, આ સ્યુસાઈડ નોટમાં ઓનલાઈન ગેમમાં મોટી રકમ ગુમાવી દેતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનના આપઘાત પાછળના કારણ અંગે કોઈ માહિતી જાણવા મળી ન હતી પરંતુ પોલીસે યુવાનનો મોબાઈલ કબજે લઈને ચેક કરતા આપઘાત પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. યુવાન ક્રિષ્નાએ આપઘાત કરતા પૂર્વે મોબાઇલમાં એક સ્યુસાઇડ નોટ લખી હતી
આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલ કાંડનો રેલો રાજકોટ પહોંચ્યોઃ ડો. પ્રશાંત વજીરાણીના રિમાન્ડ મંજૂર
શું લખ્યું હતું સ્યુસાઇડ નોટમાં
જેમાં તેણે ઈંગ્લીશમાં લખ્યું હતું કે, હું આપઘાત કરી રહ્યો છું, કારણ કે મેં બધા જ પૈસા ઓનલાઇન ગેમિંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમા ગુમાવી દીધા છે તેમજ અંતિમ પળોમાં પોતાનાં માતા-પિતાને માફી માગતાં તેણે લખ્યું છે કે સ્ટેક જેવી બેટિંગ સાઇટ પર તેણે બધું જ ગુમાવી દીધું છે. તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. મારા આ નિર્ણય માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર નથી. તેનો જવાબદાર માત્ર ને માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે. આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હું જુગારની લત છોડી શકયો નહિ અને આ વ્યસન મને ચરમસીમાએ લઇ ગયું હતું તેમજ બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તેનું ધ્યાન રાખજો. તે કોઇ ખોટું પગલું ન ભરે.
શું કહ્યું SPએ
આ અંગે એસીપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, યુવાનનો મોબાઇલ કબજે કઈ લઈને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. આ તપાસમાં યુવાન કઇ વેબસાઇટ કે એપ્લિકેશન મારફત આ રકમ હારી ગયો છે તેની તપાસ કરવામાં આવશે.