જૂનાગઢમાં કોંગી MLAનું નામ લખીને યુવકે કર્યો આપઘાત, રાજકીય ષડયંત્ર હોવાનું MLAનું રટણ
જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં રવિવારે ધારાસભ્ય વિમલ ચુડાસમા ત્રાસ આપતા હોવાની વિગતો સ્યુસાઇડ નોટમાં લખીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. ચોરવાડ પાસે આવેલા ઝુઝારપુર ગામના યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ગામમાં શોકભર્યો માહોલ છવાઇ ગયો હતો. યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
યુવકના મૃતદેહ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અન્ય 2 વ્યક્તિઓના ત્રાસને પગલે આત્મહત્યાનો ઉલ્લેખ જોવા મળતા ભારે ચર્ચા જાગી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ તેમને રાજકીય રીતે ફસાવવાનું ષડયંત્ર છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતક નીતિન પરમાર તેમના તેમના સગા માસીનો દીકરો થાય છે, પણ છેલ્લાં ઘણા સમયથી તે તેમની સાથે સંપર્કમાં ન હતા. આ સાથે જ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આશંકા વ્યક્ત કરી હતી કે આ યુવકની હત્યા થઇ છે અને તેને આત્મહત્યામાં ખપાવવાના પ્રયાસો થયા છે. મૃતક યુવકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઈડ નોટમાં તેના અક્ષર નથી. તેમણે કહ્યું હતું કે આ તેમના વિરુદ્ધ રાજકીય કાવતરું થઇ રહ્યું છે.
આ ઉપરાંત વધુ એક મહત્વના નિવેદનમાં વિમલ ચુડાસમાએ એમ પણ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરે તો પહેલા પોલીસને બોલાવવામાં આવે છે અને પોલીસ આવ્યાં બાદ લટકતા મૃતદેહને નીચે ઉતારવામાં આવે છે, પણ અહીં કેટલાક લોકોએ પોલીસને ઘટનાની જાણ કર્યા વગર આ મૃતક યુવકના મૃતદેહને નીચે ઉતારી કારમાં નાખી હોસ્પિટલ મૂકી ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ છે. આમ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સમગ્ર મામલે પોલીસ તપાસની માગ કરી છે.