ગોંડલમાં બે મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીના પરિવાર દ્વારા માર માર્યો

રાજકોટ : એકવીસમી સદીમાં પણ અમુક ઘટનાઓ સમાજમાં રહેલી હજુ પછાત માનસિકતાને દર્શાવતી ઘટનાઓ બહાર આવતી રહી છે. ગોંડલના મોવિયામાં જાહેર રસ્તા પર જ પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી અને પ્રેમિકાને માર મારવામાં આવ્યો હતો. ગામમાં જાહેર રોડ પર થયેલ આ મારામારીની ઘટના સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થી રહી છે. જો કે ઘટનામાં ભોગ બનનાર યુવાન ગોંડલની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામે પ્રેમ લગ્ન કરનાર યુગલને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી છે. આ યુગલે આજથી બે મહીના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિજનો દ્વારા તેના પ્રેમીના લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા. આ બાદ યુવકનું અપહરણ કરીને લઈ જઈને ધાક-ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ રસ્તામાં અધવચ્ચે વાહનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. તો પરિજનો દ્વારા યુવતીનું અપહરણ કરી લઈ જવામાં આવી છે.
જાહેરમાં હુમલો કરવામાં આવ્યો તે ઘટનામાં યુવતીના કાકા, ભાઈ અને અન્ય કોઈ સબંધી સામેલ હોવાનું સામેલ આવ્યું છે. જો કે આ ઘટનામાં ભોગ બનનાર યુવક રાજેશ હાલ ગોંડલની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના પરિવાર દ્વરા યુવતીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.