કિડની ટ્રાન્સપ્લાન્ટના દરદીઓમાંથી 70 ટકા યુવાનો, રોગીષ્ટ બની રહી છે નવી પેઢી
અમદાવાદઃ કિડની શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે અને તેનાં કામ કરવા પર શરીરના સ્વાસ્થ્યનો આધાર રહે છે. કોઈ સમાજ કે રાજ્ય ત્યારે જ આગલ વધે જ્યારે તેની યુવાપેઢી શિક્ષિત અને સ્વસ્થ હોય, પરંતુ એક અહેવાલ પરથી લાગી રહ્યું છે કે ગુજરાતની આવનારી પેઢી રોગ અને શારીરિક સમસ્યાઓના મોઢામાં ધકેલાઈ રહી છે.
ગુજરાતના યુવાનોમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માત્ર એક હૉસ્પિટલના આંકડા જ ચિંતા જગાવનારા છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં વર્ષ 2021થી 2023 દરમિયાનના ત્રણ વર્ષમાં કુલ 1,046 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ 1046 ટ્રાન્સપ્લાન્ટમાંથી 763 દર્દી 40 વર્ષ કે તેથી ઓછી વયના છે જ્યારે 283 દર્દી 40થી વધુ વયના છે. મોટે ભાગે એવું પણ સામે આવ્યું છે કે, મોટી વયના દર્દીઓમાં પરિવારજનો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું ઉચિત માનતા નથી, તેઓ ડાયાલિસસ પર નિર્ભર રહે છે. આ કારણસર પણ યુવાનોમાં ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ વધુ છે, પણ યુવાનોની કિડની એટલી હદે નકામી થાય છે કે તેમણે ટ્રાન્સપ્લાન્ટ કરાવી પડે તે વિચારતા કરી મૂકે તેમ છે.
આ પણ વાંચો : ડાયાબિટીસના પુરૂષ દર્દીઓમાં કિડની અને હ્રદય રોગનું જોખમ વધુ હોય છે, અભ્યાસનું તારણ
કિડની ફેલ થયાના સંકેતો
કીડની નિષ્ણાંત ડોકટરોના જણાવ્યા મુજબ જ્યારે કિડનીની બીમારીની સમસ્યા વધી જાય છે ત્યારે શરીર પર કેટલાક સંકેતો દેખાવા લાગે છે. જેમાં વજન અને ભૂખમાં ઘટાડો, પગની ઘૂંટીઓમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, પેશાબમાં લોહી આવવું, સતત માથાનો દુઃખાવો, યુરિન ઓછું આવે વગેરે કિડની ફેલ થવાના લક્ષણ હોય છે. જોકે એવા કિસ્સા પણ બને છે જેમાં કોઈ ખાસ લક્ષણો ન જણાાય હોય અને કિડની ફેલ થવાનું નિદાન થયું હોય.
યુવાનોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સમસ્યા વકરી છે, આવા કિસ્સામાં કિડની સહિતના અંગો ફેલ થવાનું જોખમ વધારે રહે છે. આ ઉપરાંત ભોજનમાં વધારે મીઠું લેવું, પ્રદૂષણ, એલર્જી રિએક્શન, ગંભીર ઈન્ફેક્શન, સહિતના કારણે પણ કિડનીને અસર થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2018થી 2022ના અરસામાં કુલ 2902 અંગદાન થયા હતા. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંગદાન થકી જરૂરિયાતમંદ 908 કિડના દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાં કિડનીની સમસ્યાથી 4,650 જેટલા દર્દીઓનાં મોત
ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં કિડની સંબંધિત બીમારીના કારણે એક અંદાજ પ્રમાણે 4,650થી વધુ દર્દીઓનાં મોત થયા છે. ગુજરાતમાં 1865 દર્દી કિડનીનું દાન મળે તે માટે રાહ જુએ છે એટલે કે વેઈટિંગમાં છે. નાના બાળકોમાં પણ કિડની ફેલ્યોરના કેસ વધી રહ્યા છે.