ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રામાં આપ જોડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપના પ્રચંડ આક્રમણને ખાળવા કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનને આગળ વધારતા રાજ્યમાં સંયુક્ત રીતે મોરચો ખોલવાનો નિર્ણય લીધો છે. કૉંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા તા.૭મી માર્ચથી ગુજરાતમાં આવી રહ્યા છે. આ યાત્રામાં આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાશે.
કૉંગ્રેસ અને આપ ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભાની ચૂંટણી સમજૂતીથી લડી રહ્યા છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આપના ઇસુદાન ગઢવી વચ્ચે થયેલી વાતચીતને અંતે બન્ને પક્ષ દ્વારા એકબીજાના રાજકીય કાર્યક્રમોમાં પણ સાથે રહેવાનો નિર્ણય કરાયો છે. તે અંતર્ગત રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં જોડાવવા આમ આદમી પાર્ટીને આમંત્રણ અપાતા તા.૭મીથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં જે સ્થળોએથી પસાર થશે ત્યાં આમ આદમી પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોના રાજીનામાં પછી આગામી સમયમાં યોજાનારી પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કૉંગ્રેસ અને આપ સાથે મળીને કામ કરવા મુદ્દે ચર્ચા કરીને ફોર્મ્યુલા ઘડી કાઢશે. આ ઉપરાંત ભાવનગર બેઠક આપના ફાળે ગઇ છે ત્યારે તેના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત બેઠક પણ યોજાઇ હતી. જેમાં આપ અને કૉંગ્રેસ સંગઠન દ્વારા ચૂંટણીની રણનીતિ નક્કી કરાઇ હતી.