સુરતમાં પણ યોગી મોડલ અપનાવવા ઉઠી માંગ: SMCની બેઠકમાં ઉઠી માંગ

સુરત: કાવડ યાત્રા દરમિયાન વેપારીઓના નામની પ્લેટ લગાવવાને લઈને વિવાદ છંછેડાયો હતો. ત્યારે હવે નવરાત્રીના પર્વ પહેલા જ ગુજરાતમાં પણ હોટેલના માલિકના નામ જાહેર કરવાનું ભૂત ધૂણ્યું છે. સુરતમાં ભાજપના કોર્પોરેટરે માંગ કરી છે કે સુરતમાં પણ યોગીવાળી થવી જોઈએ, કારણ કે હોટલનું નામ અને મૂળ માલિક અલગ હોય છે. તેમણે હોટલ પર માલિકનું નામ લખવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં હોટલ પર તેના માલિકના નામ લખવાની માંગ ઉઠી છે. ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે આ મામલે સભા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેણે કહ્યું હતું કે નવરાત્રીનો પર્વ આવૈ રહ્યો છે અને આ દરમિયાન લોકો બહાર ખાવાનું પસંદ કરતાં હોય છે . ત્યારે અનેક હોટલના નામ હિંદુ પરથી છે, જ્યારે તેના માલિકનું નામ અલગ જ છે. આથી લોકો ગેરમાર્ગે દોરાતા હોવાનો પણ આરોપ કર્યો છે.
આ પણ વાંચો : Navratri દરમ્યાન સુરતમાં રોમિયોગીરી ભારે પડશે, પોલીસે અમલમાં મુક્યો આ એક્શન પ્લાન…
આ અંગે ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની સામાન્ય સભામાં મારો વિષય એ હતો કે, તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરતાં હોય છે, કોઈ ઠગાઈ ન થાય. આગામી સમયમાં નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે બધાને શુદ્ધ ભોજન મળે, કોઈને પણ ભેળસેળવાળું ભોજન ન મળે. આ અંગે મારું માનવું છે કે, હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ હોય છે યુનુસ, હોટલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહંમદ. આ ન હોવું જોઈએ.
સાથે જ તેમણે માંગ કરી હતી કે સુરત મહાનગરપાલિકાની હદમાં આવનારી હોટલને દંડ કરવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. તેમણે મનપાને ચેકિંગ કરવા અને જો કયાય આવું જણાય તો કાર્યવાહી કરવાની માંગ કરી છે.