રસ્તા વચ્ચે યોગઃ રીલ્સ બનાવવાનું ભારે પડ્યું આ મહિલાને
રીલ્સ બનાવી પોપ્યુલર થવાની ઈચ્છા હોવી ખોટું નથી, પરંતુ આ માટે ગમે તે કરી નાખવું ઘણીવાર ભારે પડે છે. આવું જ કંઈક રાજકોટના મહિલા સાથે થયું છે. છેલ્લા બે દિવસથી શહેરના અમીન માર્ગ રોડ પર એક ફિટનેસ ટ્રેનરની રીલ ઘણી જ વાયરલ થઇ રહી હતી. આ અંગેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયો મામલે રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે ફિટનેસ ટ્રેનર દીના પરમાર (ઉવ.40) વિરુદ્ધ અંકિત નિમાવત નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
સમગ્ર મામલે માલવિયા નગર પોલીસને આપેલી ફરિયાદમાં પોલીસ કોન્સ્ટેબલ અંકિત નિમાવતે જણાવ્યું છે કે, ગત 18 તારીખના રોજ સવારના 09:00 વાગ્યાના અરસામાં અમિન માર્ગ સાગર ટાવર ચોક પાસે એક મહિલા જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતે જાહેર રોડ ઉપર યોગા કરતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. જે અંતર્ગત વીડિયો વાયરલ કરનારની શોધખોળ કરતાં તેમનું નામ દીના પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સમગ્ર મામલે યોગા ક્લાસીસના વ્યવસાય સાથે સંકળાયેલી દીના પરમાર નામની મહિલા વિરુદ્ધ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે ipc 283 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
મહિલાનો 16 સેકન઼્ડનો વીડીયો છે. તે બદલ તેણે માફી માંગી છે. પોતાના વીડિયોમાં પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરે તેમ જણાવ્યું છે.
થોડા દિવસો પહેલા જામનગર પોલીસ દ્વારા બેડી બંદર રોડ ઉપર જાહેરમાં ગરબાના સ્ટેપ કરનારા ગરબા ક્લાસીસના સંચાલક તેમજ કોરીયોગ્રાફર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેમના વિરુદ્ધ જામનગર સાઇબર ક્રાઇમ દ્વારા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા.