ગુજરાતમાં યોગ દિવસે કુલ 312 જગ્યા પર યોગ કાર્યક્રમ યોજાશે
અમદાવાદઃ રાજ્યભરમાં 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવતી કાલે ભારત-પાકિસ્તાન બોર્ડર નડાબેટમા વિશ્વ યોગા દિવસે યોગાસન કરશે. અન્ય મહાનુભાવો સાથે 2,500 જેટલા યોગ સાધકો કાર્યક્રમમાં જોડાશે. રાજ્યભરમાં આઠ મનપાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકએમ કુલ 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. એવું રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાનએ જણાવ્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કરશે, તેનું ગુજરાત રાજ્યમાં જીવંત પ્રસારણ કરાશે. સવારે 7થી 7.45 સુધી એટલે કે 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો 22 હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024માં મોઢેરા ખાતે 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે સુરત વેસુ ખાતે 1.53 લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો. મુખ્યપ્રધાને અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.