વર્ષોથી ચાલતી લાકડાની ચોરીનું કૌભાંડ હવે પકડાયું, તો અત્યાર સુધી શું થતું હતું?
સુરતઃ દક્ષિણ ગુજરાતનાં જંગલોમાંથી છેલ્લા ચાર વર્ષથી ચાલતા ખેરના લાકડા ચોરી કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરનાં લાકડાં ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું રૂ. 5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. ચોરી કરાયેલા ખેરનાં લાકડાંનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હવે અહીં સવાલ એ છે કે આ લાકડું જ્યારે લઈ જવાતું હતું ને છેક મધ્ય પ્રદેશ પહોંચી જતું હતું ત્યારે જવાબદાર એવા તમામ અધિકારીઓ શું કરતા હતા. ચાર વર્ષથી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, દાહોદ, ભરૂચ સહિતના જિલ્લાનાં જંગલોમાંથી ખેરના ઝાડનો ખાતમો બોલાવી રહ્યા હતા, ત્યારે વન વિભાગને એક પણ ઝાડ કપાયાનો અવાજ સુદ્ધા ન આવ્યો અને આ ચોરી ચાલતી રહી, તે પણ તપાસનો વિષય છે.
મળતી માહિતી મુજબ ગત 16મી જૂનના રોજ ખેરનાં લાકડાં ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. વન વિભાગે રૂ. 5.13 કરોડની કિમતના લાકડાં જપ્ત કરી ડેપો મેનેજર આરીફઅલી મકરાની સામે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા. બીજી તરફ આરિફઅલી મકરાની સાથે ખેરનાં લાકડાં ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.