યાત્રાધામ અંબાજીના પ્રસાદનો વિવાદ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરાય
અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં થોડા મહિનાઓ પહેલા વર્ષોથી મોહનથાળનો પ્રસાદ આપવાની પરંપરા તંત્ર દ્વારા બંધ કરવામાં આવતા થયેલા ભારે વિરોધને પગલે મોહનથાળનો પ્રસાદ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો ટન મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાની કામગીરી દરમિયાન જ મોહનથાળ માટેનું ઘી ભેળસેળવાળું નીકળતાં ફરી એક વાર વિવાદ સર્જયો છે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, મોહનથાળ માટે આ ભેળસેળિયું ઘી વપરાય એ પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. હવે પ્રસાદ તૈયાર કરતા કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. બીજી બાજુ બનાસકાંઠા કલેક્ટર વણ બરનવાલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ દરમિયાન શુદ્ધ ઘી વપરાયું છે.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ માટે વાપરવામાં આવતા ઘીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું ખૂલતાં જ તંત્ર દ્વારા 180થી વધુ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. એવી આશંકા હતી કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ પ્રસાદમાં ભેળેસળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઘી શંકાસ્પદ જણાતા તેને જપ્ત કરવામાં આવ્યું હતું અને બનાસ ડેરીમાંથી ઘી મંગાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે.