World Population Day: 2036 સુધીમાં ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોની સ્થિતિ આટલી ભયાનક હશે
અમદાવાદઃ વસ્તી વિસ્ફોટનો સામનો વિશ્વના ઘણા દેશ કરી રહ્યા છે, પણ સૌથી વધારે વસ્તી ધરાવતા ભારત માટે આ પ્રાણ પ્રશ્ન છે. ત્યારે આના કરતા ખરાબ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે સ્ત્રી-પુરુષની સંખ્યામાં મોટો તફાવત હોય, યુવાન-વૃદ્ધોની સંખ્યામાં મોટો તફાવત હોય. અને આવનારા સમયમાં જો યોગ્ય પગલાં નહીં લઈએ તો આ સ્થિતિ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરશે તેમ એક અહેવાલ કહે છે.
આજે 11મી જુલાઇ વિશ્વ વસતી દિવસ તરીકે ઊજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત માટે ચિંતાજનક બાબત એ છે કે 2036માં ગુજરાત દેશભરમાં સૌથી ખરાબ સેક્સ રેશિયો ધરાવતાં રાજ્યોમાં બીજા નંબરે હશે. ગુજરાતમાં 2036મા દર હજાર પુરુષે માત્ર 900 મહિલાઓ હશે. 2011ની વસતીગણતરી પ્રમાણે આ સંખ્યા 919 હતી અને 2021ના અંદાજ મુજબ 907 છે. 2026માં ઘટીને 903 થવાનો અંદાજ છે.
2021માં કોરાના મહામારીના કારણે વસતીગણતરી ના થઈ શકી, પરંતુ નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન પ્રોજેક્શનના રિપોર્ટમાં 2036 સુધી વસતીને લગતાં વિવિધ અનુમાન કરવામાં આવ્યાં છે. તે મુજબ આગામી દશકમાં દેશમાં માત્ર કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સેક્સ રેશિયોનું પ્રમાણ ઘટવાનું અનુમાન છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ ઘટવાનું અનુમાન છે. 2036માં ગુજરાતની શહેરી વસતી 55 ટકાને એટલે કે 4.47 કરોડને પાર કરી જશે. 2036માં દેશમાં સૌથી ખરાબ સેક્સ રેશિયો દિલ્હીનો 899 થવાનું અનુમાન છે.
એક અંદાજ મુજબ ગુજરાતની 2036માં વસતી 8.15 કરોડ હશે જેમાં 15-34 વર્ષના 2.47 કરોડ લેખે (30 ટકા) યુવાનો હશે. આ દરમિયાન વસતીની ગીચતામાં ગુજરાત 12મું (414) હશે અને ગુજરાતીઓનું અપેક્ષિત આયુષ્ય 75 વર્ષ આ ઉપરાંત 2036માં દર છઠ્ઠો ગુજરાતી વૃદ્ધ હશે.
ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના રિપેર્ટ મુજબ ગુજરાતમાં સેક્સ રેશિયો ઘટ્યો છે જેમાં વર્ષ 2001માં 920, વર્ષ 2011માં 919 2021માં 907 હતો. જે 2026માં 903, 2036માં 900 થવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. 2036માં દેશમાં સેક્સ રેશિયો-952, જ્યારે સૌથી ખરાબ-899 દિલ્હીનો રહેવાનું અનુમાન છે.
આ ઉપરાંત ગુજરાતમાં પાંચ જિલ્લામાં સેક્સ રેશિયોની સ્થિતિ સુરતમાં 772, અમદાવાદમાં 887, કચ્છમાં 890, વલસાડમાં 905, ગાંધીનગરમાં 905 થવાનો અનુમાન લગાવામાં આવ્યુ છે.
ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના રીપોર્ટ મુજબ ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 12.51 લાખ લોકોએ નસબંધી કરાવી છે. જેમાં 12.47 લાખ એટલે કે 99.68 ટકા તો મહિલાઓ જ છે. ગુજરાત સરકાર આર્થિક સામાજિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે 2019-20થી 2023 સપ્ટેમ્બર સુધી માત્ર 4,324 પુરુષોએ નસબંધી કરાવી હતી. જે નસબંધી કરાયેલા કુલ લોકોના અડધા ટકાથી ઓછા છે.
2036માં ગુજરાતની 55 ટકા એટલે કે 4.47 કરોડ વસતી શહેરી હશે. જ્યારે 45 ટકા વસતી (3.66 કરોડ) ગ્રામીણ વિસ્તારમાં રહેતી હશે. રિપોર્ટ મુજબ, 2024માં ગુજરાતમાં 49.33 ટકા વસતી શહેરી વિસ્તારમાં રહે છે. 2036માં રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની વસતી 10.2 ટકાથી વધીને 15.4 ટકા એટલે કે 1.25 કરોડને આંબી જશે. જેમાં 65 લાખ મહિલા અને 60 લાખ પુરુષો હશે, તેમ અહેવાલ જણાવે છે.