World Obesity Day: જાણો… ગુજરાતના લોકોમાં કેટલું છે મેદસ્વિતાનું પ્રમાણ

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં આજે વધતી મેદસ્વિતા(જાડાપણું) અંગે જાગૃતિ કેળવવા માટે વિશ્વ મેદસ્વિતા દિવસની(World Obesity Day)ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમગ્ર વિશ્વમાં અનિયમિત જીવનશૈલીના લીધે લોકો મેદસ્વિતાના શિકાર બની રહ્યા છે. તેમજ તેના લીધે મેદસ્વી લોકો અનેક રોગના પણ શિકાર બને છે. તેવા સમયે દેશ અને ગુજરાતમાં પણ મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH-5(2019-2021)મુજબ ભારતમાં એકંદરે 24 ટકા સ્ત્રીઓ અને 23 ટકા પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં 22.6 ટકા અને પુરુષોમાં 19.9 ટકા જોવા મળ્યું છે.
મેદસ્વિતામુક્ત ગુજરાતની નેમ

જયારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ અંતર્ગત એક નિવેદન દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું કે આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ

તેમજ રાજ્યમાં વધતી જતી મેદસ્વિતા વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.મુખ્યમંત્રીએ વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે. તેમણે કહ્યું કે, જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.
મેદસ્વિતા માટે જવાબદાર પરિબળો

સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા પરિબળો જવાબદાર છે.
મેદસ્વિતાની અસરો

આના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુ:ખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે.
મેદસ્વિતા નિયંત્રણ અને નિવારણ ઉપાયો

સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે.

એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઉંધ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.