World Cycle Day: Gujarat નથી સાયકલ ફ્રેન્ડલી સ્ટેટ, બે વર્ષમાં સેંકડોના મોત
અમદાવાદઃ આજે વર્લ્ડ સાયકલ ડે છે. 90ની સાલની ટીનએનરની ઘણી યાદો સાયકલ સાથે જોડાઈ હશે. તે સમયે પોતાની પાસે સાયકલ હોવી પણ મોટી વાત હતી. સુખી ઘરના યુવાનો પણ સાયકલ સવારી કરતા, પરંતુ છેલ્લા 15 વર્ષમાં ખાસ કરીને શહેરો સહિત ગામડાઓમાં પણ સાયકલચાલકોની સંખ્યા નહીંવત થતી જાય છે અને દરેકના ઘરમાં ટુ-વ્હીલર જોવા મળે છે.
આના ઘણા કારણોમાંનું એક સાયકલચાલક માટે સલામત રસ્તાઓ જ ન હોવાનું છે. રસ્તાઓ પર સતત મોટા વાહનોની ભરમાર વચ્ચે સાયકલ ચલાવવાની જગ્યા કે વ્યવસ્થા જ નથી. આ કારણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 240 કરતા વધારે સાયકલચાલકે જીવ ખોયો છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં વર્ષ 2022માં 44 સાયકલચાલકને ઈજા થઈ હતી અને 23ના મોત થયા હતા. ગુજરતમાં 2022માં 177ને ઈજા અને 124ના મોત થયા હતા જ્યારે વર્ષ 2021માં 200ને ઈજા અને 117ના મોત થયા હતા.
શહેરમાં અલાયદા સાયકલ ટ્રેકનો અભાવ છે. જોકે મુંબઈ, હૈદરાબાદ જેવા શહેરોમાં કરોડોના ખર્ચે હાથ ધરવામા આવેલા આવા પ્રોજેક્ટ નિષ્ફળ ગયા છે અને જનતાના પૈસાનો વેડફાટ થયો છે.
જોકે માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં પણ સાયકલચાલકોની આવી જ સ્થિતિ છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર દેશભરમાં 2022-2023 એમ બે વર્ષમાં 6531 સાયકલચાલકોના અકસ્માતમાં મોત થયા હતા.
પેટ્રો-ડિઝલ મોઘું થવાથી, જાહેર પરિવહનોનો અભાવ હોવાથી તેમ જ સ્વાસ્થ્ય માટે જાગૃત્તિ આવી હોવાથી સાયકલ ચલાવનારા અને ચલાવવાની ઈચ્છા ધરાવતા લાખો લોકો છે, પરંતુ તેમને સગવડતા અને સુરક્ષા મળતી નથી, તે અફસોસની વાત છે.
Also Read –