ગીફ્ટસિટીમાં દારૂબંધીમાં છૂટ સામે મહિલા સંગઠનોએ કર્યો વિરોધ
વડોદરા: હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આવેલી ગીફ્ટસિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયને પગલે રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ નિર્ણય કેટલી હદે યથાવત છે, અનેક રાજકારણીઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ત્યારે વડોદરામાં આ નિર્ણય સામે મહિલાઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો.
વડોદરામાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન AIMSS દ્વારા રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી અને દારૂબંધીમાં છૂટછાટ આપવાના નિર્ણય સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આ મહિલાઓએ દલીલ કરી હતી કે દારૂબંધી હળવી કરીને સરકાર શરૂઆત કરી રહી છે. જો તેનો વિરોધ કરવામાં નહી આવે તો આવનારા સમયમાં રાજ્યની ઘણી જગ્યાઓએ લોકો ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળશે. ત્યારે આવા નિર્ણયને બદલે દારૂબંધીનો કડક અમલ કરાવવો જોઇએ. અત્યારે કોઇ ગામ, શહેર બચ્યું નથી જ્યાં લોકો દારૂ પીતા ન હોય. દારૂના વ્યસન સામે જાગૃતિ ફેલાવવી જોઇએ. તેને કારણે અનેક ઘર બરબાદ થાય છે, અનેક જીંદગીઓ બરબાદ થાય છે. લોકો મહિલા પર અત્યાચાર કરે છે.
આમ, મહિલા સંગઠનો નિર્ણય પાછો ખેંચાય તેવી સરકારને અપીલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ક્યાંય પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. જો દારૂબંધીમાં છૂટનો નિર્ણય પાછો ન લેવાય તો મહિલાઓ મોટાપાયે સહી ઝુંબેશ કરશે, તેમજ 6 જાન્યુઆરીએ નાગરિક સંમેલન યોજવામાં આવશે અને સતત કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવશે તેવું મહિલા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું.