ગુજરાતના 13 જિલ્લામાં 222 વરુ કરે છે વસવાટ, ભાવનગરમાં સૌથી વધુ સંખ્યા…

ગાંધીનગર: એશિયાઈ સિંહો માટે જાણીતા ગુજરાતમાં વરુની સંખ્યા પણ સૌથી વધારે છે. તાજેતરમાં વન વિભાગના અહેવાલમાં જણાવાયું હતું કે રાજ્યના 13 જિલ્લામાં 220 થી વધુ વરુ વસવાટ કરે છે, જ્યારે ભાવનગરમાં સૌથી વધુ સંખ્યા આવેલી છે.
આ પણ વાંચો : 1 જાન્યુઆરી 2025થી અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોના બદલાશે સમય, જુઓ લિસ્ટ
વન વિભાગ દ્વારા વર્ષ 2023માં ગુજરાતમાં વરુ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે નર્મદા જિલ્લો અને ત્રીજા ક્રમે બનાસકાંઠા છે. સરકાર દ્વારા વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા વર્ષ 2023માં કરવામાં આવેલી વરુ વસ્તી ગણતરીમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં 39, બનાસકાંઠામાં 36, સુરેન્દ્રનગરમાં 18, જામનગર અને મોરબીમાં 12-12 તેમજ કચ્છ જિલ્લામાં 09 વરુ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.
ખાસ તૈયાર કરાયો એટલાસ
આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહયોગથી રાજ્યમાં વરુ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નકશાઓની એક નકશાપોથી (એટલાસ) – રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો લોકેશન તૈયાર કરવામાં આવ્યો છે. ‘ગીર’ ફાઉન્ડેશન ખાતે ઉપલબ્ધ રિમોટ સેન્સિંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ આ એટલાસને 25 ડિસેમ્બરનાં રોજ વિમોચન કરવામાં આવ્યું છે.
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં રાજ્યના 13 જિલ્લામાં વરુની હાજરી અને તેના આવાસોના નકશાઓ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપલબ્ધ આવાસો અસરકારક સંરક્ષણ વરુના સંરક્ષણ દ્વારા તેની વધતી સંખ્યાને અનુકૂળ વિસ્તારો પ્રાપ્ત થઇ શકે.
વરુના વસવાટ માટે ગુજરાત આદર્શ
ગુજરાતમાં વરુ મુખ્યત્વે જંગલ તેમ જ રણ વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી છૂપાઇવાળા અને વૃક્ષોથી ભરેલા વિસ્તારોમાં વસવાટ કરે છે. આ એટલાસ મુજબ વરુઓ માટે અનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વે ખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અને પાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતા સાથેના ઘાસના મેદાનોથી બનેલા છે, જે ભારતીય વરુ માટે આદર્શ નિવાસસ્થાન છે.
આ ઉપરાંત, કચ્છના નાના અને મોટા રણને પણ ભારતીય વરુ માટે મહત્વના નિવાસસ્થાનો તરીકે ઓળખવામાં આવ્યા છે. સાથોસાથ ભાલ વિસ્તાર, જેમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને ધોલેરાનો આસપાસનો પ્રદેશનો સમાવેશ થાય છે, તે બીજું એક મુખ્ય સ્થાન છે જ્યાં વરુ એ કુદરતી શિકારી તરીકે કાળિયારને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે, નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર અભ્યારણ્યના જંગલો પણ વરુના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યું છે.