વડા પ્રધાનના ગુજરાત પ્રવાસના ૨૪ કલાકમાં જ મુખ્ય પ્રધાનને દિલ્હીનું તેડું: રાજકીય ચર્ચા તેજ
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા બાદ પ્રદેશ ભાજપમાં ફરીથી બોર્ડ નિગમ અને આયોગમાં પદાધિકારીઓની નિયુક્તિનો મુદ્દો ચર્ચા પર આવ્યો છે. વડા પ્રધાનને ગુજરાત છોડ્યાને ૨૪ કલાકની અંદર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવતા બોર્ડ નિગમમાં નિયુક્તિનો મામલો ઉકેલ આવવાની આશા વધી છે. દિવાળી પહેલા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સામાજિક ક્ષેત્રના ૧૨ જેટલા બોર્ડ નિગમ અને જાહેર સાહસો મહિલા આયોગ સહિતની ચાર મુખ્ય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ સભ્યોની નિયુક્તિ ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજસ્થાન મધ્ય પ્રદેશ અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન કે દિવાળીની આસપાસ આ ખાલી પદો પર ભાજપના નેતાઓને કાર્યકરોની નિમણૂક થાય તે માનવામાં આવી રહ્યું છે.
હાલ સરકાર અને સંગઠનના સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના હસ્તક રહેલા નવનિગમોનું સંચાલન માત્ર વહીવટી અધિકારીઓને તાબે હોવાથી આર્થિક ગેર પ્રવૃત્તિઓ અને યોજનાથી અમલનો અભાવ જોવા મળતા અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ પદો તાત્કાલિકના ધોરણે ભરવામાં આવશે. તેમ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તેને લઈને દિલ્હી ખાતે બેઠક બોલાવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રવાસમાં તેમની સાથે કોણ જોડાયું છે તેનું હજુ પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે. જો કે, મુખ્ય પ્રધાન દિલ્હી પહોંચી ચૂક્યા છે ને ગરવી ગુજરાત ભવનમાં કેટલીક ઔપચારિક મુલાકાતો બાદ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અલગ અલગ સમયે મુલાકાતો કરશે. ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેકટસ વિશે પણ રિપોર્ટ સોંપીને કેનદ્રીય નેતૃત્વનું માર્ગદર્શન મેળવશે. બીજી બાજુ ઘટનાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.