ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હટતા ટૂંક સમયમાં 'ઠંડીનો ચમકારો' શરૂ થશે...
આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હટતા ટૂંક સમયમાં ‘ઠંડીનો ચમકારો’ શરૂ થશે…

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજયમાં ભારે વરસાદની હાલ કોઈ સિસ્ટમ ન હોવાથી 10 ઓકટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે દૂર થશે અને ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગ મુજબ કચ્છમાંથી વરસાદે વિદાય લીધી છે.

હવામાન વિભાગ મુજબ, હાલ ત્રણથી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પડેલા વરસાદ બાદ બફારો એકાએક ગાયબ થઈ ગયો છે. વીતેલા એક સપ્તાહથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સાતમી ઓક્ટોબર બાદ ઠંડીનું જોર વધી શકે છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 117.18 ટકા થયો છે. કચ્છમાં સૌથી વધુ 147.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.54 ટકા, પૂર્વમ મધ્યમાં 116.06 ટકા, સૌરાષ્ટ્રમાં 107.65 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.42 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયેલો છે. રાજ્યમાં 153 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 એલર્ટ અને 11 વોર્નિંગ પર છે. રાજ્યમાં 127 ડેમ સો ટકા ભરાયેલા છે, જ્યારે 50 ડેમ 70 થી 100 ટકા, 12 ડેમ 50 થી 70 ટકા, 8 ડેમ 25 થી 50 ટકા અને 9 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.

આ પણ વાંચો…હજુ પણ વરસાદ ગુજરાતમાં નાખશે ‘ધામા’; રાજ્યભરમાં ૮મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button