Politics: ધરપકડના ભણકારા વચ્ચે કેજરીવાલ આવશે ગુજરાત
અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પક્ષના સંયોજક અંરવિંદ કેજરીવાલ વિપસ્યના કરીને આવ્યા બાદ ચર્ચાનો વિષય બની ગયા છે. આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તેમને પૂછપરછ માટે લઈ જશે અને તેમની ધરપકડ કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને આપના સમર્થકો તેમના કાર્યાલય બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જોકે ઈડીએ આ અફવા હોવાનું જણાવ્યું હતું. ત્યાં વળી તેમની મહોલ્લા ક્લિનિકની યોજનામાં કથિત ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈની તપાસના આદેશ આવ્યા છે. જોકે આ બધા વચ્ચે કેજરીવાલે અચાનક ગુજરાતની મુલાકાતે આવવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. કેજરીવાલ 6,7,8 ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અહીં પક્ષના નેતાઓ સાથે બેઠકો યોજશે. જાહેર સભા યોજે તેવી સંભાવના છે અને આ સાથે આપના ડેડીયાપાડા વિસ્તારના વિધાનસભ્ય ચૈતર વસાવાને જેલમાં મળવા જશે તેવી માહિતી મળી છે.
કેજરીવાલે ગુજરાતમાં વિધાનસભામાં પહેલીવાર ચૂંટણી લડી હતી અને પાંચ સભ્ય જીત નોંધાવી શક્યા હતા, જેમાંથી એક ભુપત ભાયાણી (વિસાવદર) થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે ચૈતર વસાવાને વન વિભાગના કર્મીઓને ધમકાવવાના મામલે જેલ થઈ છે. કેજરીવાલ ગુજરાતમાં આ બધા વિષયોને લઈને આવશે. જોકે આમ અચાનક જ્યારે તેમનું બીજા બધા મુદ્દાઓ બાજુએ મૂકી ગુજરાત આવવાનું સૌને ખડકી રહ્યું છે. તેમની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ આવવાના છે.
દરમિયાન દિલ્હી ખાતે કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમના નિવાસસ્થાન બહાર સુરક્ષા પણ વધારવામાં આવી હોવાના અહેવાલો છે.