ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોના ધામા, ધારાસભ્યોને હાજર રહેવા તાકીદ, CM પણ બદલાશે ?

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને પણ વિદાય કરાશે એ મુદ્દો જોરશોરથી ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠનના ટોચના હોદ્દેદારોએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે અને બેઠકો પર બેઠકો થઈ રહી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવી ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું તો ગુજરાત વતન જ છે તેથી તેમની હાજરીને અસામાન્ય નથી ગણાઈ રહી પણ ભાજપના આટલા ટોચના હોદ્દેદારો ગુજરાતમાં છે તે નેતૃત્વ પરિવર્તનનો સંકેત છે એવું રાજકીય વિશ્લેષકો માને છે.
આ પણ વાંચો: ગુજરાતને આવતીકાલે મળશે નવા પ્રધાનો: ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ જાહેર
સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ આ વખતે મળી નહોતી. 15 ઓક્ટોબરના રોજ મળનારી બેઠક ગુરુવારે મળશે એવું નક્કી થયું હતું પણ અચાનક ગુરૂવારે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે હવે નવા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળશે. બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તેનું કારણ પણ એવું અપાઈ રહ્યું છે કે, ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરાય એ બંધારણીય જોગવાઈ હોવાથી તેનું પાલન કરવા ધારાસભ્યોને હાજર રખાયા છે. અલબત્ત આ વાતોને સત્તાવાર રીતે કોઈ સમર્થન નથી મળતું.
ભાજપના કેટલાક જૂના જોગી પણ સ્વીકારે છે કે, માત્ર મંત્રીઓ બદલવાના હોય તો આટલા બધા રાષ્ટ્રીય હોદ્દેદારો ગુજરાતમાં આવે નહીં એ જોતાં મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલની વિદાયનો તખ્તો ઘડાયો હોય એવી શક્યતા નકારી શકાય નહીં. બીજી તરફ સત્તાવાર રીતે ભાજપ આ મુદ્દે કશું કહેવા તૈયાર નથી પણ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભૂપેન્દ્ર પટેલને હમણાં બદલવામાં નહીં આવે પણ આખું મંત્રીમંડળ બદલાઈ જશે.
ગુરૂવારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા હતા અને તેમણે સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક કરી કરી હતી. આ બેઠકમાં બીજા કોઈને હાજર નહોતા રખાયા એ સૂચક છે.