અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે દોડશે બુલેટ ટ્રેન? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ
દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, જો કે આ મુદ્દે હવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો જવાબ સામે આવ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો કે દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે વાસ્તવિક્તા બનશે, ત્યારે તેમણે કહ્યું કે આગામી 2 વર્ષમાં જ બુલેટ ટ્રેન મુસાફરો માટે ઉપલબ્ધ થઈ જશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે રેલવે મંત્રીએ કહ્યું કે અમારી તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને બુલેટ ટ્રેન વર્ષ 2026માં શરૂ થશે. ભારતીય રેલ્વેમાં આવી રહેલા ફેરફારો તરફ ઈશારો કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે મોદી સરકારનો સૌથી મોટો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષા છે. પ્રથમ ધ્યેય સલામત મુસાફરી અને પછી સુવિધાઓનું વિસ્તરણ છે. રેલવે મંત્રીએ કહ્યું કે મેં 10-12 દિવસ પહેલા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી ત્યારે બુલેટ ટ્રેનના 284 કિલોમીટરના ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું હતું.
રેલવે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ તે દેશનો સૌથી મજબૂત સિંગલ ઈકોનોમિક ઝોન બની જશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદ જશે અને મુંબઈ, થાણે, વાપી, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ શહેરોના લોકો આ રૂટ પર મુસાફરી કરી શકશે. આ તમામ શહેરોની અર્થવ્યવસ્થાને એક ઝોન સાથે જોડવામાં આવશે. તમે વડોદરામાં સવારે નાસ્તો કરશો, અને પછી તમે ટ્રેન પકડીને એક કલાકમાં મુંબઈ પહોંચી ગયા હશો. કામ પતાવી સાંજે પરત આવશો અને બાળકો સાથે જમી શકશો, તમે પરિવાર અને બિઝનેસ બંનેને પૂરો સમય આપી શકશો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મોદી સરકારનું સંપૂર્ણ ધ્યાન મુસાફરોની સુરક્ષા પર છે. અમારો ઉદ્દેશ્ય રેલ યાત્રાને 100 ટકા સુરક્ષિત બનાવવાનો છે. આ માટે અમે ટેક્નોલોજીને સતત અપડેટ કરી રહ્યા છીએ. સલામતી માટે સૌથી મહત્વપૂર્ણ ટેક્નોલોજી, ઓટોમેશન ટ્રેન સુરક્ષા, ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહી છે.