ગુજરાતની આ બે સીટો પર ઉમેદવારો બદલશે ભાજપ? જાણો પાર્ટીમાં આંતરિક ડખો શું છે
ગાંધીનગર: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. એને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી ચૂક્યા છે. જો કે આ દરમિયાન ભાજપનું ટોચનું નેતૃત્વ બે સીટના પૂર્વઘોષિત ઉમેદવારોને બદલવા તે અંગે વિચાર-વિમર્સ કરી રહ્યું છે. આ બે સીટો બનાસકાંઠા અને વલસાડ છે.
બનાસકાંઠા લોકસભા સીટ માટે ભાજપે રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે, જેની સામે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ફાયર બ્રાન્ડ ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે, જેને પગલે આ સીટ અત્યારથી જ ચર્ચામાં આવી ગઈ છે, પરંતુ ભાજપ હવે તેની ભૂલ સુધારીને બનાસકાંઠા સીટ પરથી કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા છે.
તે જ પ્રકારે વલસાડ સીટ પરથી કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ભાજપનો નવોદિત ચહેરો એવા ધવલ પટેલ વામણા સાબિત થઈ રહ્યા છે, વલસાડ કોંગ્રેસમાં પણ તેમની સામે ગણગણાટ શરૂ થઈ ગયો છે જેથી હવે તેમને પણ બદલવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપ ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિકને તક આપે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસના અનંત પટેલ તેમના પ્રતિસ્પર્ધી ધવલ પટેલ સામે તેઓ વારંવાર સ્થાનિક ન હોવાની વાતને મુદ્દો બનાવી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે તેમજ તેઓ છેલ્લાં 30 વર્ષથી સુરતમાં રહે છે. તેઓ પ્રચાર દરમિયાન કહે છે કે હું વલસાડનો જમાઈ છું. જો કે તેમના આવા ચૂંટણી પ્રચારની કોઈ અસર મતદારો પર થતી જોવા મળતી નથી.