Gujaratની પેટા ચૂંટણીમાં પણ આપ અને કૉંગ્રેસ સાથે ઉતરશે?

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને પક્ષો તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સહિત એવા રાજ્યો પણ છે જ્યાં લોકસભા સાથે ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવાની છે. દેશમાં 26 બેઠકમાંથી ગુજરાતની પાંચ બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપ પૂરી તાકાત સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે ત્યારે કૉંગ્રેસ અને આમ આદમી પક્ષ સાથે ચૂંટણી લડશે કે અલગ અલગ તે અંગે કોઈ સ્પષ્ટતા હજુ થઈ નથી. બે દિવસ અગાઉ મળેલી એક બેઠકમાં બન્ને પક્ષે આ મામલે ચર્ચા કરી હતી અને વિધાનસભાની પેટાચૂંટણી સાથે મળી લડવા મામલે સકારાત્મક અભિગમ બન્ને પક્ષોનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો પાંચેય બેઠકો પર સાથે લડવાનું થાય તો ચાર પર કૉંગ્રેસ અને એક બેઠક પર આપને લડાવવામાં આવશે. ગુજરાતની એક બેઠક વિસાવદરની ચૂંટણી જાહેર થઈ નથી.
આ પણ વાંચો..
વિસાવદર બેઠક પર કેમ જાહેર ન થઈ પેટા ચૂંટણી? જાણો કોકડું ક્યા ગુંચવાયું છે
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસે માત્ર 17 બેઠક જ્યારે આપે પહેલીવાર પાંચ બેઠક સાથે ખાતુ ખોલ્યું હતું, પરંતુ કૉંગ્રેસના ચાર, અપક્ષ એક અને આપના એક એમ છ વિધાનસભ્યએ રાજીનામાં ધરી દઈ ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ છમાંથી 5 બેઠક માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે. કૉંગ્રેસના 17 ધારાશભ્યમાંથી ત્રણ ભાજપમાં ચાલ્યા જતા હવે તેમની પાસે 14 જ ધારાસભ્યો છે આથી તેમની માટે વિધાનસભાની પેટાચૂંટણી પણ મહત્વની છે.
લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ અને આપે ગુજરાતમાં જોડાણ કર્યું છે, જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પક્ષના ઉમેદવારો અનુક્રમે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. બાકીની 24 બેઠક પર કૉંગ્રેસ ચૂંટણી લડવાનું છે ત્યારે પક્ષે માત્ર છ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે જ્યારે 17 બેઠકોના ઉમેદવારોની યાદીની રાહ જોવાઈ રહી છે. કૉંગ્રેસના અમુક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી છે. તો બીજી બાજુ છેલ્લી બે ટર્મથી પક્ષ તમામ 26 બેઠક પર હારનો સામનો કરી રહ્યો છે. આ સાથે વિધાનસભામાં પણ 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. આથી કૉંગ્રેસ માટે આ ચૂંટણી ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવાની છે.
બન્ને પક્ષે સાથે લડવાની ઈચ્છા દિલ્હી ખાતે નેતાઓ સમક્ષ વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જો દિલ્હીથી લીલી ઝંડી મળશે તો પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસ-આપનું ગઠબંધન રહેશે.