કચ્છમાં જંગલી જનાવરોનો વધતો આતંકઃ 30 જેટલા ઘેટાને મારી નાખ્યા
ભુજ: રણપ્રદેશ કચ્છમાં હરિયાળી છવાઈ જતા માલધારીઓ પોતાના પશુધનને ઘાસચારો ચરાવા માટે નિર્જન સીમાડાઓમાં જઈ રહ્યા છે એ વચ્ચે આક્રમક શિકારી પશુના હુમલા થવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે.
અબડાસાના ઝુરા,ખારુઆ-ચિયાસર, કાલરવાંઢ, ભુજ નજીકની ટપકેશ્વરીની ગિરિમાળા, સહિતના વિસ્તારોમાં રાની પશુઓ દ્વારા પશુઓ પર ઘાતક હુમલાના બનાવો ભૂતકાળમાં બહાર આવી ચૂક્યા છે તેવામાં ભુજ-નખત્રાણા માર્ગ પરની એક રખાલમાં ચારિયાણ કરી રહેલાં ઘેટાં- બકરાનાં ધણ ઉપર સંભવિત ખૂંખાર દીપડાએ કરેલા હુમલામાં ૨૫થી ૩૦ જેટલા અબોલ પશુઓના મોત થતાં માલધારીઓ ફફડી ઉઠ્યા છે.
ગોપાલ નામના માલધારીના જણાવ્યા પ્રમાણે, ભુજની ભાગોળે આવેલા કોડકી ગામ આસપાસના સીમ વિસ્તાર અને નખત્રાણા તાલુકાના દેવપર, ગોળજીપર, સુખસણ, સાગંનારા અને મોસુણા સહિતના ગામોની આસપાસ દીપડાની હાજરી હોઈ, માલધારીઓ ભયના માર્યા વગડામા પણ જઇ શકતા નથી. વન તંત્ર આ હિંસક દીપડાઓને પાંજરે પૂરે એવી માલધારીઓની માગ છે.
આ પણ વાંચો :Gujaratમાં 24 કલાકમાં નવ તાલુકામાં વરસાદ, સિઝનનો સૌથી વરસાદ કચ્છ ઝોનમાં…
આ મામલે માલધારી સંગઠન દ્વારા આ અગાઉ વન તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાઈ હતી પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
રાની (જંગલી) પશુએ કરેલા મારણ અંગે નખત્રાણાના વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં થયેલી વન્ય પ્રાણી ગણતરી દરમિયાન અબડાસાના ચિયાસર, રાધણઝર, ખારુવા વચ્ચેના જંગલ વિસ્તારમાં બે દીપડાની સંખ્યા હોવાનું અને ભુજથી નખત્રાણા સુધીના વિસ્તારમાં ત્રણ દીપડા હોવાનું નોંધાયું હતું. જો કે, માનવ વસ્તુથી આવા ખૂંખાર જંગલી પશુઓ અંતર બનાવી રાખે છે, પણ તાજેતરના સમયમાં તેમના કુદરતી આવાસોની સંખ્યા ઘટી જતાં તેઓ માનવ વસાહતોમાં શિકાર માટે ઘુસી આવે છે.
ગત વર્ષે બે અલગ-અલગ હુમલામાં દીપડાએ છ જેટલા ઊંટનું મારણ કર્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ વનવિભાગ દ્વારા તેને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી દીધી હોવાનું અને દીપડાને પકડવા માટે ટ્રેક કેમેરા લગાવવામાં આવશે જેના પરથી તેને પકડીને અન્ય સ્થળે છોડી દેવાશે તેમ રાઠોડે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ વર્ષ અગાઉ ભુજની ભાગોળે આવેલા એરફોર્સ સ્ટેશનમાં પણ દીપડો ઘુસી આવ્યો હતો જેની આજ દિન સુધી કોઈ ભાળ મળી નથી.