ઉચ્ચ શિક્ષિતો કેમ કરે છે આવી ભૂલ…સાયબર ક્રાઈમમાં મહિલાએ જીવનભરની બચત ગુમાવી
અમદાવાદ: સાયબર ક્રાઈમ દેશમાં સૌથી મોટી ઉપાધી બની ગયો છે અને વર્ષેદહાડે દેશવાસીઓ કરોડો રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવે છે. દુઃખની વાત એ છે કે અભણ નહીં પણ પરંતુ ભણેલા લોકો પણ આ ટેકનોસેવી લૂટારૂઓના સકંજામાં આવી જાય છે અને મહામહેનતે ભેગી કરેલી કમાણી પળવારમાં ગુમાવી દે છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા ફરી આવો કિસ્સો બન્યો છે જેમાં એક 43 વર્ષીય મહિલાએ રૂ. 38 લાખ જેવી રકમ ગુમાવી છે.
વિચિત્ર વાત તો એ છે કે મહિલાએ માત્ર ફોન પર થેયલી વાતચીત બાદ પોતાની બેંક અને આધારકાર્ડની વિગતો આપી દેતા આ સમસ્યા સર્જાઈ છે. આ મહિલા સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. અને ટેકનોલોજીનું જ્ઞાન હોવા છતાં તેની એક ભૂલ તેને ભારે પડી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર મુંબઈ પોલીસના અધિકારી તરીકે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તેમના નામે એક ઈન્ટરનેશનલ પાર્સલ આવ્યું છે જેમાંથી સાઈકોટ્રોપિક ડ્રગ્સ, તેમના નામે કેટલાક પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે. તેથી તેમની સામે કેસ થશે.
બનાવટી પોલીસે એવું પણ કહ્યું કે મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો એક માણસ તમારી સાથે જોઈન્ટ બેન્ક એકાઉન્ટ ધરાવે છે. તેથી આ અંગે તપાસ થશે તો તમારી સામે પણ કાર્યવાહી થશે.
સૌથી પહેલાં મુંબઈની કોઈ કુરિયર ઓફિસમાંથી હર્ષવર્ધન બોલું છું એમ કહીને એક વ્યક્તિએ મહિલાને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે તમારા નામે મુંબઈથી ઈરાનના સરનામે જતું એક પેકેજ પકડાયું છે. આ પેકેજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે કારણ કે તેમાં ગેરકાયદે નશીલા પદાર્થ ભરેલા છે. આ પેકેજમાં પાંચ એક્સપાયર્ડ પાસપોર્ટ, ચાર ક્રેડિટ કાર્ડ, કપડાં અને 450 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું છે તથા તેનો શિપમેન્ટ ચાર્જ 52,705 રૂપિયા છે.
મહિલાએ કહ્યું કે મેં આવું કોઈ કન્સાઈનમેન્ટ બૂક કરાવ્યું નથી. ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું કે કોઈએ તમારા નામનો દૂરૂપયોગ કર્યો છે તેથી તમે આ વિશે પોલીસ ફરિયાદ કરો તો યોગ્ય રહેશે. આટલું જણાવીને તેણે પોલીસમાં ફોન ટ્રાન્સફર કરું છું તેમ કહીને ફોન ટ્રાન્સફર કર્યો અને સામે છેડેથી મુંબઈ ઈસ્ટ સાઈબર ક્રાઈમ પોલીસમાંથી બોલું છું એમ કહીને કોઈ મહિલાએ વાત કરી.
આ વાત દરમિયાન તેણે ફ્રોડનો ભોગ બનેલી મહિલા પાસેથી તેની બેંક અને આધાર કાર્ડની ડિટેલ્સ માગી અને એમ પણ જણાવ્યું કે તમારે નાણાં ભરવા પડશે નહીંતર તમને 20 વર્ષની જેલ થવાની સંભાવના છે. ડરી ગયેલી મહિલાએ તેને આપવામાં આવેલા બેંક અકાઉન્ટ પર પોતાની તમામ બચત મોકલી દીધી હતી. તે બાદ પેલી મહિલા સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી, પણ તેનો કોઈ સંપર્ક થયો નહીં ત્યારે પીડિતાને સમજાયું કે ફ્રોડનો ભોગ બની છે અને તેમે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે તમે કોઈ પાર્સલ મગાવ્યું નથી, આ સાથે જો તમારી સાથે કોઈનું બેંક અકાઉન્ટ લીંક થયું હોય તો તેની માહિતી તમારી બેંક તમને આપે, તમે ઓનલાઈન મેળવી શકો. જો આવા કોઈ મોટા ગુનામાં તમારું નામ ખૂલે તો ગમે તે રાજ્યની કે શહેરની પોલીસ તમારી સાથે પોન પર વાત કરી આવા ઉકેલો કહે નહીં. આ બધી વાતો ધ્યાને ધરી હોત અને પહેલાથી જ કોઈ મિત્ર, નિષ્ણાત કે પોલીસનો ફોન કર્યો હોત આ મામલે કોઈની સલાહ લીધી હોત તો મહિલાએ આ રીતે આટલી મોટી રકમ ખોવી ન પડી હોત. સાયબર પોલીસ સતત સૂચનો આપતા રહે છે અને બેંક પણ સાયબર ક્રાઈમથી બચવા માર્ગદર્શન આપે છે ત્યારે આપણે પણ સતર્ક રહેવાની જરૂર છે.