સંતાન ન થવું, ગરીબી, બિમારી જેવા કારણોને લીધે સ્ત્રીઓ બને છે અંધશ્રદ્ધાનો ભોગ:સર્વેમાં ચોંકાવનારો ખુલાસો! | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

સંતાન ન થવું, ગરીબી, બિમારી જેવા કારણોને લીધે સ્ત્રીઓ બને છે અંધશ્રદ્ધાનો ભોગ:સર્વેમાં ચોંકાવનારો ખુલાસો!

આપણા સમાજમાં અંધશ્રદ્ધા અને વહેમી માન્યતાઓનુ પ્રચલન હજુ પણ જોવા મળે છે અને તેના કારણે આવતા દુષ્પરિણામોની અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. જો કે સ્ત્રીઓમાં અંધશ્રદ્ધા અને વહેમી માન્યતાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, આધુનિક સ્ત્રીઓ શિક્ષિત હોવા છતાં પણ અંધશ્રદ્ધા અને વહેમી માન્યતાઓ પર વિશ્વાસ ધરાવે છે તે પાછળના કારણો અંગે એક સર્વેમાં ખુલાસો થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં ચાલતા કાઉન્સેલિંગ સેન્ટરમાં આવેલ 4 વિવિધ કેસો જેમાં સ્ત્રીઓ અંધશ્રદ્ધા અને વહેમી માન્યતાઓ વધુ ધરાવતી હતી જેના આધારે ભવનના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓએ ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 810 લોકોને મળીને તારણ તારવ્યા કે શા માટે શિક્ષિત હોવા છતાં સ્ત્રીઓ આ પ્રકારની અંધશ્રદ્ધા અને વહેમનો ભોગ બને છે.

આ પણ વાંચો: ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ વધુ એક યુવતીનો ભોગ લીધો, ભૂવાએ ડામ આપ્યા બાદ મોત

સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે સ્ત્રીઓ ખાસ કરીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જેમ કે સંતાન ન થવું, ગરીબી, બિમારી વગેરે કારણોને લીધે 81% સ્ત્રીઓ અદશ્ય શક્તિઓ પર વિશ્વાસ રાખવાનું શરૂ કરે છેતે ઉપરાંત નાની ઉમરથી ઘરેલું અંધવિશ્વાસવાળું વાતાવરણ તેમજ સ્ત્રીઓનું સંવેદનશીલ અને ભાવુક હોવું 67% સ્ત્રીઓ માટે અંધશ્રદ્ધામાં વિશ્વાસનુ કારણ બને છે. સ્વભાવથી લાગણીશીલ અને સંવેદનશીલ હોવાના કારણે 78% સ્ત્રીઓ પરિવાર માટે આવી અંધશ્રદ્ધાઓમાં માનવા લાગે છે.

નબળું મન, વિચારશક્તિનો ભાવ, આત્મવિશ્વાસનો અભાવ, સહાનુભૂતિની ઈચ્છા 58% સ્ત્રીઓ માટે અંધશ્રદ્ધાનુ કારણ બને છે. અંધવિશ્વાસનું મૂળ ધાર્મિક નહીં પણ માનસીક છે, હિનભાવના, અમુક અંશે સમાજના દબાણને કારણે 56% સ્ત્રીઓ અંધવિશ્વાસમાં વિશ્વાસ કરે છે. 67% સ્ત્રીઓમાં તો સોશિયલ મીડિયા અને લોક પ્રચલિત વાર્તાઓ દ્વારા પણ અંધશ્રદ્ધા ફેલાય છે. 80% સ્ત્રીઓએ એવુ સ્વીકાર્યુ હતુ કે સોશિયલ મીડિયા અંધશ્રદ્ધા વધવાનું સૌથી મોટું કારણ છે. તે ઉપરાંત વારસાગત રીતે જે માન્યતાઓ ચાલી આવે છે તેને અનુસરી લેવામાં આવે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button