કછડો બારેમાસઃ ખુમારીથી મનભરીને જીવવા જાણીતા કચ્છીઓ કેમ બની રહ્યા છે આ રોગનો શિકાર!
ભુજ: આધુનિક સમાજમાં હવે બાળકો અને યુવાનોમાં ડિપ્રેશને મોટું સ્વરૂપ લીધું છે. આ બીમારીને ભલે લોકો મજાક ગણીને હસી નાખે પરંતુ તેની ગંભીરતા અને તેના આવનારા પરિણામો ખૂબ જ ઘાતક નીવડી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારા અહેવાલ એ છે કે જિંદગીને મોજથી જીવનારા કચ્છીઓમાં ડિપ્રેશનના દર્દીઓમાં ખૂબ વધારો થયો છે. ભુજની જનરલ હોસ્પિટલમાં દર મહિને ડિપ્રેશનના 300 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવાનું ત્યાંનાં તબીબોએ જણાવ્યું છે.
કચ્છમાં 300 જેટલા દર્દીઓ વધ્યા
આ અંગે મનોચિકિત્સક તબીબોએ જણાવ્યું હતું કે, બદલાતી જીવનશૈલીને કારણે તેમજ હોર્મોન્સમાં સર્જાતી અસમતુલા અને આનુવંશિક જેવા અનેક કારણોને લીધે ડિપ્રેશન થઈ શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર ભુજની જી.કે. હોસ્પિટલમાં દર મહિને અંદાજે 300 જેટલા દર્દીઓ ડિપ્રેશનની સારવાર લેવા માટે આવે છે. તેમને ડિપ્રેશનની દવા તેમજ કાઉન્સલિંગ મારફતે સારવાર પૂરી પાડવામાં આવે છે.
શું છે ડિપ્રેશનના કારણો?
આજના સમયમાં ખૂબ જ વધી રહેલ ડિપ્રેશન એક માનસિક બીમારીની સાથે સાથે સમાજની સામે નવા નવા પડકારો ઊભા કરી રહ્યું છે. ડિપ્રેશન થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, અનેક કારકોની ભૂમિકા તેમાં રહેલી છે. આ કારણોમાં ઘરની વ્યક્તિ કુટુંબથી દૂર રહેતી હોય, મોબાઈલ, સમાજમાં દેખાદેખી, યુગલના શારીરિક સંબંધો, ઘરના વ્યક્તિની દારૂ, જુગાર રમવાની કુટેવ વગેરે જેવા કારણો જવાબદાર છે.
સારવાર લેવામાં સંકોચ
સામાન્ય રીતે ડિપ્રેશન કોઇપણ ઉંમરે થઈ શકે, તેના માટે કોઇ નિશ્ચિત ઉંમર નથી પરંતુ તે સામાન્ય રીતે કિશોરાવસ્થા અથવા 30 કે 40 વર્ષની ઉંમરે અથવા તો કોઈપણ ઉંમરે થઈ શકે છે. ડિપ્રેશનનું પ્રમાણ પુરુષની તુલનામાં મહિલાઓમાં વધુ જોવા મળે છે. આ બાબતે સારવાર લેવામાં લોકો સંકોચ અનુભવતા હોવાથી પણ ડિપ્રેશનની ઘાતક અસરો જોવા મળતું હોવાનું મનોચિકિત્સકો જણાવે છે.