સૌરાષ્ટ્રના ખેડૂતો કેમ મુકાયા મુંઝવણમાં ?
ખેડૂતનો આનંદ અને દુખ બન્ને નભ પર એટલે કે વાતાવરણ પર આધારિત હોય છે. વાતાવરણ જેમ પલટો મારે તેમ તેમની મનઃસ્થિતિ પણ પલટો મારે છે. આવા જ હાલ અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોના ખેડૂતોના છે. એક પહેલો વરસાદ ખૂબ જ ધોધમાર આવ્યો, તે બાદ બીજો રાઉન્ડ ખૂબ જ મોડો આવ્યો અને અપૂરતો વરસાદ વરસ્યો. હવે માંડ સ્થિતિ થાળે પડી અને વાવણીની શરૂઆત કરી તો ફરી પાછા મેઘરાજા પધાર્યા છે. સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે.
સૌરાષ્ટ્રમાં શુક્રવારે શરૂ થયેલો કમોસમી વરસાદ શનિવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિત અનેક જિલ્લામાં ધોધમાર વવરસ્યો હતો. જુનાગઢના કેશોદના અજાબ ગામમાં એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. દરમિયાન અમદાવાદમા રવિવારે વહેલી સવારે પુર્વના કેટલાક વિસ્તારમાં કમોસમી ઝાપટા પડ્યા હતાં. બીજી બાજુ આજથી નવરાત્રી પર્વ શરૂ થઇ રહયુ છે ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાસ ગરબા રમવા માટે થનગનતા ખેલૈયાઓ પણ ચિંતિત બન્યા છે.
અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારોમા રવિવારે વહેલી સવારે હળવા ઝાપટા પડ્યા હતા જેના કારણે સવારે ઠંડકમા વધારો થયો હતો. દરમિયાન સૌરાષ્ટ્રમાં શનિવારે સતત બીજા દિવસે રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિત અનેક જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદી માહોલના પગલે અનેક ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જગતનો તાત ચિંતિત જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં કેશોદ તાલુકાના અજાબ ગામમાં એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અનેક ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત તાલુકાના નવાગામ, માછરડા, મોટી વાવડી સહિતના ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને કપાસ, મગફળી અને ડુંગળી સહિતના ખેતરમાં ઉભા પાકોમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.