સરપ્રાઈઝ માટે જાણીતી ભાજપ ગુજરાતનું સૂકાન કોના હાથમાં આપશે?
અમદાવાદઃ ગુજરાત BJPના નવસારીના સાંસદ અને હાલના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને કેન્દ્રીય પ્રધાન મંડળમા સ્થાન મળતા હવે ગુજરાત ભાજપ રાજ્યનું સુકાન કોણ સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુજરાતમા નવા અધ્યક્ષની નિમણુકના થાય ત્યા સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નિમાઈ શકે છે. જેમાં હાલ ગુજરાત ભાજપના મહામંત્રી અને પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલનુ નામ સૂચવાયું હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ ના થાય ત્યા સુધી કાર્યકારી અધ્યક્ષની ભુમિકામાં રહી શકે છે. બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ કરીકે ઓબીસી સમાજમાંથી કોઈને સ્થાન મળી શકે છે. સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર નેતાને પણ જવાબદારી સોંપાઈ શકે છે.
ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને કેન્દ્રીય પ્રધાન મંડળમા પ્રધાન કરીકે શપથ ગ્રહણ કરતા હવે તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ છોડવું પડશે. બીજી તરફ તેમનો ટર્મ પુરો થતા તેમનું એક વર્ષનું એક્ટેન્શન પણ પૂરું થવા આવ્યું છે. ત્યારે તેમના સ્થાને નવા અધ્યક્ષ તરીકે અનેક નામ ચર્ચાઈ રહ્યા છે. બીજી તરફ તાજેતરમાં યોજાયેલી 2024ની લોકસભા ચૂંટણીમાં ધાર્યા કરતા સારા પરીણામ મળ્યા નથી. સતત ત્રીજીવાર ગુજરાતમાં 26માંથી 26 બેઠક લાવવાનું સપનું કૉંગ્રેસે સાકાર થવા દીધું નહીં અને ભાજપે એક બેઠક પર નુકસાન વહોરવું પડ્યું. સાથે અપેક્ષા પ્રમાણેના મત પણ મળ્યા ન હોવાથી ભાજપમાં મંથન ચાલી રહ્યું છે.
હવે જ્યારે નવા નેતાની વરણી થવાની છે ત્યારે ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામા આવશે. હવે ઓબીસી અથવા આદિવાસીમાંથી પણ નેતા હોઈ શકે છે. જો પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી સમાજમાથી વિચારણા કરવામાં આવે તો વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, વડોદરાના પુર્વ મેયર ભરત ડાંગર આ ઉપરાંત ઓબીસી મોરચાના પુર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડીયા નામની અટકળ ચાલી રહી છે. બીજી તરફ આદિવાશી સમાજમાંથી જો ભાજપ વિચારણા કરે તો પુર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવાનું નામ સંભળાઈ રહ્યું છે.
સમીકરણ મુજબ અત્યાર સુધીના ભાજપના ઈતિહાસમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખને કાયમી પ્રદેશ પ્રમુખ બનાવામાં આવે છે. ત્યારે હવે જો રજની પટેલને સંભવીત કાર્યકારી અધ્યક્ષમાંથી કાયમી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન બન્ને પાટીદાર સમાજના થઈ શકે છે. આવા સંજોગોમાં રજની પટેલને રાજ્યનું સુકાન કાયમી ધોરણે સોંપાય તે અંગે અટકળો છે.
જોકે ભાજપની દિલ્હીની નેતાગીરી હંમેશાં સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે, આથી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી માત્ર અટકળો લગાવી શકાય તેમ છે.