ગુજરાત કૉંગ્રેસની કમાન કોના હાથમાં ? આજે દિલ્હીમાં આલા નેતાઓ સાથે બેઠક

અમદાવાદઃ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં રકાસ બાદ અને લોકસભાની 2024 પહેલા કૉંગ્રેસે ગુજરાતની કમાન એક અનુભવી અને બાહોશ ગણાતા નેતા શક્તિસિંહ ગોહિલના હાથમાં આપી હતી. ગુજરાતમાં સાવ જ પડી ભાંગેલા કૉંગ્રેસના સંગઠનને ફરી બેઠું કરવાનું અઘરું કામ શક્તિસિંહે કરવાની કોશિશ તો કહી, પરંતુ લાંબો સમયથી સત્તાથી દૂર રહેલા અને જનસંપર્ક ગુમાવી ચૂકેલા પક્ષને જૂથવાદ અને ખેંચતાણમાંથી બહાર લાવવાનું કામ સહેલું ન ન હતું. તેમાં લોકસભામાં માત્ર એક બેઠક મળી અને ત્યારબાદ તમામ સ્થાનિક ચૂંટણીઓમાં કૉંગ્રેસે મોટેભાગે હાર જ સહન કરવાની રહી.
તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદરની વિધાનસભાની બે બેઠકની પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસ હારી અને આ સાથે જિલ્લા અધ્યક્ષોની નિમણૂકમાં ફરી જૂથવાદ સપાટી પર આવ્યો. આ બધાથી કંટાળી શક્તિસિંહ ગોહિલે પંદરેક દિવસ પહેલા રાજીનામું ધરી દીધું અને મને મનાવવામાં ન આવે તેવી વિનંતી પણ પક્ષને કરી દીધી. હાલમાં કૉંગ્રેસ અધ્યક્ષનું પદ કાર્યકારી અધ્યક્ષ તરીકે શૈલેષ પરમાર સંભાળે છે ત્યારે નવા અધ્યક્ષને ચૂંટવાની જવાબદારી ફરી કૉંગ્રેસના દિલ્હી દરબારના ભાગે આવી છે. આજે આ અંગેની એક મહત્વની બેઠક આજે દિલ્હી ખાતે છે અને ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સાથે ચર્ચા કરશે.
આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસમાં હલચલ તેજ: પાટીદાર કે OBC, કોના શિરે તાજ?
આ નેતાનું નામ રેસમાં સૌથી આગળ
ગુજરાત કૉંગ્રેસની મોટી સમસ્યા એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી સત્તાથી દૂર છે અને તેથી નવા નેતાઓ જોડી નથી શક્યા અને ગુજરાત કૉંગ્રેસ પાસે કોઈ નવો ચહેરો નથી. જો ગુજરાતને એક યુવા ચહેરો આપવો હોય તો જિજ્ઞેશ મેવાણી પર પક્ષ પસંદગી ઉતારે, પણ જ્ઞાતિના સમીકરણોમાં તે ફીટ બેસતું ન હોવાનું ઘણા નેતાઓ જણાવી રહ્યા છે. શૈલેષ પરમારના કાર્યકારી અધ્યક્ષ બનવાથી પણ પટેલ અને કોળી સમાજ નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. આથી પક્ષે જ્ઞાતિનું ગણિત બેસાડ્યા બાદ જ નવા અધ્યક્ષનું ચયન કરવું પડશે.
આ બધુ જોતા અમિત ચાવડાનું નામ ઊભરી આવે છે. હાલમાં વિપક્ષના નેતા અમિત ચાવડા બોલવામાં દમદાર છે અને કૉંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે પંકાયેલા છે. અનુભવ સાથે નેતૃત્વ પણ છે. તેમના સિવાય જો કૉંગ્રેસ મહિલા ચહેરા પર પસંદગી ઉતારે તો લોકસભામાં ભાજપના ગુજરાતની 26 બેઠકને ત્રીજી વાર સર કરવાના સપનાને રોળી નાખનારા ગેનીબેન ઠાકોરનો સમાવેશ થાય છે, પણ ગેનીબેન હાલમાં લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારાં એકલાં સભ્ય છે અને પહેલીવાર સંસદ સુધી પહોંચ્યા છે છતાં ગેનીબેન પણ આ રેસેમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ બન્ને ઉપરાંત 2017માં જેમની આગેવાનીમાં ગુજરાત કૉંગ્રેસે 77 બેઠક મેળવી હતી તે પાટીદાર નેતા પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ, વીરજી ઠુમ્મર તેમ જ પૂંજાભાઈ વશના નામ પણ લેવાઈ રહ્યા છે.
જોકે અધ્યક્ષ તરીકે કોણ સુકાન સંભાળશે તે તો નામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે, પરંતુ જે પણ કોઈ આ કાંટાળી બેઠક પર બેસશે, તેમની માટે અનેક પડકાર રાહ જોઈ રહ્યા છે, તેમાં બેમત નથી.