હું પ્રદેશ અધ્યક્ષ રહું કે ના રહું, લોકસભાની તમામ બેઠકો જીતવાની છે: સી. આર. પાટીલ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં નવાજૂનીનાં એંધાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ભાજપમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આંતરિક કલહ અને ત્યારબાદ ખુદ પ્રદેશ અધ્યક્ષ સામે જ આક્ષેપો સાથેના પત્રિકા કાંડને પગલે સંગઠનના અનેક પદાધિકારીઓ ઘર
ભેગાં થયાં પછી હવે ખૂદ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ પોતાની સંભવિત વિદાયનો સંકેત આપ્યો છે. પાટીલે જણાવ્યું હતું કે, હું પ્રદેશ અધ્યક્ષ પદે રહું કે ન ન રહું પણ આપણે ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાની છે.
ગુજરાત પ્રદેશ સંગઠનમાં ફેરફારોની અટકળો ઘણાં મહિનાથી ચાલી રહી છે પરંતુ આ ફેરફારો ક્યારે થશે અને નવા પ્રમુખ કે પદાધિકારીઓ કોણ હશે એ અંગે હજુ ખૂલી કંઇ બહાર આવ્યું નથી. પરંતુ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાનના રાત્રી રોકાણ અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સળંગ બે દિવસના ગુજરાત પ્રવાસની સાથોસાથ આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતના સુરત પ્રવાસને અંતે પાટીલના આ નિવેદનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને મોહન ભાગવત દ્વારા રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા જ સંગઠનમાં ફેરફારો અંગેની સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અત્યાર સુધીમાં ક્યારેય સંગઠનમાં ફેરફારો કે પોતાની વિદાય અંગેનાં સંકેત આપ્યાં નથી પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મોહન ભાગવતનાં ગુજરાત પ્રવાસ બાદ અચાનક આવેલા તેમના નિવેદનને પગલે હવે સંગઠનમાં મોટા ફેરફારોની ચર્ચા શરૂ થઇ છે.
સુરત ખાતે સમસ્ત ઉત્તર ભારતી સમાજ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન સમારંભમાં પાટીલે એવું પણ કહ્યું
હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો આવી છે પરંતુ વધારે મહેતન કરવામાં આવે તો 182 બેઠકો જીતી શકાશે. હવે પછીની ચૂંટણીમાં આપણે તે જીતવાની છે.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો જીતશે અને ગુજરાતમાં પાર્ટીને વધુ એક વખત 26 બેઠકો મળશે. રાજ્યમાં નો રિપીટ થિયરીથી કાર્યકર્તાઓ ખુશ છે. યુવાનો અને મહિલાઓને મોકો આપવો જોઇએ. અમે બધાને મોકો આપી દીધો છે.તમારો મોકો નહીં લાગ્યો હોય તો તમારી પત્નીનો લાગી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલે 20મી જુલાઇ 2020ના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમની મુદત પુરી થઇ ગઇ છે, પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી તેમને અત્યારે તો પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે, પરંતુ સુરતમાં તેમણે આમ કેમ કહ્યું તે પાર્ટીના કાર્યકરોમાં ચર્ચાનો વિષય છે. પાટીલ પોતે નવસારી લોકસભા વિસ્તારના સંસદસભ્ય પણ છે.