ગુજરાતમાં ક્યારે પડશે ગાત્રો થીજવતી ઠંડી? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિમાં પાંચ દિવસ વિત્યા છતાં હજુ જોઈએ તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. ત્યારે ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બુધવારે નલિયામાં સૌથી નીચું 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગામી દિવસોમાં પણ હજી ઠંડી વધે તેવી શકયતાઓ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. બીજીતરફ હવામાન નિષ્ણાતોના મતે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી આપી છે.
હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર જતાં ઠંડી પર બ્રેક વાગી હતી. બે દિવસથી સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે.
બીજીતરફ હવામાન નિષ્ણાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મીથી 17મી ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. 16થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે.