આપણું ગુજરાત

એકાઉન્ટમાંથી 13 લાખ ઉડી જતા દાદાએ નોંધાવી ફરિયાદ, ચોરી કરનાર સામે આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા

ઓનલાઇન ગેમના રવાડે ચડેલા કુમળી વયના કિશોરોમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. ગુજરાતના દાહોદમાં ફક્ત 13 વર્ષના કિશોરે ઓનલાઇન ગેમ રમવા માટે મોબાઇલ ફોન સહિત ચીજવસ્તુઓ ખરીદવાની લાલચે પોતાના જ દાદાના એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી નાખ્યા.

કિશોરના દાદા એક નિવૃત્ત સરકારી અધિકારી છે. તેમણે તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયાની ફરિયાદ દાહોદ સાયબર સેલમાં કરી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા એ વાતનો ખુલાસો થયો હતો કે આ છેતરપિંડી તેમના જ પૌત્રએ કરી છે. સગીર યુવકને કડક પૂછપરછ કરાતા તેણે પણ ચોરીની વાત કબૂલી લીધી હતી. સગીરે 13 લાખ રૂપિયા ગેમ પોઈન્ટ્સ, ક્રિકેટ કીટ અને બે મોબાઈલ ફોન ખરીદવામાં બરબાદ કર્યા હતા. તેણે આ તમામ ચીજ વસ્તુઓ તેના મિત્રના ઘરમાં સંતાડીને રાખી હતી. જેથી પરિવારજનોને આ બાબતે કંઈ જાણ ન થાય.

સગીરના ગેમિંગ એડિક્શન મામલે તેના પરિવારજનોને પહેલેથી જાણ હતી, તેમજ તેમણે તેની આદત છોડાવવાના પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ તેમ છતાં આવી ઘટનાને તેણે અંજામ આપતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે પોલીસે કિશોર દ્વારા ખરીદાયેલી ચીજવસ્તુ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button