“મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે”- મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપતા સમયે વડા પ્રધાને કર્યું સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યોનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, 30મી અને 31મી ઓક્ટોબરની બે તારીખો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછીની તારીખે સરદાર પટેલજીનો જન્મ દિવસ છે. આપણી પેઢીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર સાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ગોવિંદ ગુરુજીનું જીવન ભારતની આઝાદીમાં આદિવાસી સમાજનાં પ્રદાન અને બલિદાનનું પણ પ્રતીક છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વર્ષોથી સરકારે માનગઢ ધામનું મહત્વ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યું છે.
પીએમ મોદીએ દેવી અંબાજીના આશીર્વાદ મેળવવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગબ્બર પર્વતનો વિકાસ કરવા અને તેની ભવ્યતા વધારવા માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આજની પરિયોજનાઓ વિશે વાત કરતા વડા પ્રધાને કહ્યું કે લગભગ 6000 કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન ભગવાન અંબેના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી કનેક્ટિવિટીમાં વધારે સુધારો થશે અને આ વિસ્તારનાં ખેડૂતોને લાભ થશે. વડા પ્રધાને ઉમેર્યું હતું કે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરની આસપાસનાં જિલ્લાઓને પણ આ યોજનાઓનો લાભ મળશે. તેમણે આજની પરિયોજનાઓ માટે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.
ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારતની વિકાસગાથા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. વડા પ્રધાને ચંદ્રયાનના ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પરના સફળ ઉતરાણ અને જી-20ના સફળ પ્રમુખપદનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે. તેમણે ઝડપી વિકાસનો શ્રેય ગુજરાતની જનતાએ ચૂંટેલી સ્થિર સરકારને આપ્યો હતો અને કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યને આનો લાભ મળ્યો છે.