આપણું ગુજરાત

રખડતા ઢોરની સમસ્યા ન વકરે તો શું થાય ? બે વર્ષમાં 18 લાખ ચો.મી. ગૌચરની જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ગામડાંથી શહેરો સુધી પહોંચ્યો છે. મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ ત્રણ દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મૂકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે. ગૌચરની જમીનના અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચડે છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વિકાસના દાવાઓ વચ્ચે સાચી હકીકત કઈક જુદી છે. વિકાસના નામે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 103.80 કરોડ ચોરસમીટર જમીન ઉદ્યોગોને ભાડે આપી છે અથવા તો વેચાણથી સોદા કર્યા છે.

સરકારના મહેસૂલ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં માત્ર બે વર્ષમાં 18 લાખ ચોરસમીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે. જો ગૌચર, ખરાબા અને સરકારી પડતર જમીનો સરવાળો કરવામાં આવે તો આ જમીનનું કદ એટલું મોટું થાય છે કે જેમાં બે અમદાવાદ સમાઈ શકે છે, તેવું જાણકારો કહે છે. બે વર્ષમાં સરકારે 103,80,73,183 ચોરસમીટર સરકારી પડતર, ખરાબા અને ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી દીધી છે.

રાજ્યમાં 28 વર્ષ પહેલાં 700 ગામડાં એવાં હતા કે જ્યાં ગૌચર જમીન ગાયબ હતી, જ્યારે હાલની સ્થિતિએ ગૌચર વિહોણાં ગામડાઓની સંખ્યા 2800 કરતા પણ વધારે છે. નિયમ છે કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર હોવું જોઈએ પરંતુ 9029 ગામો એવાં છે કે જ્યાં નિયમ કરતાં ઘણું જ ઓછું ગૌચર છે.

આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે 50 ગામોનું ગૌચર ખવાઈ જાય છે. બીજી તરફ ગૌચરની જમીનમાં દબાણો મુખ્ય સમસ્યા ઉદ્દભવી છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં જે જમીન ભાડે અથવા વેચાણ આપી છે તેમાં એકમાત્ર કચ્છ જિલ્લામાં 95,65,31,216 ચોરસમીટર જમીન છે.

રાજ્યમાં ગરીબોને આપવાના 50થી 100 મીટરના પ્લોટ નથી અને ઉદ્યોગોને દૈનિક 14.22 લાખ ચોરસમીટર જમીનની લહાણી કરવામાં આવે છે, તેવા આક્ષેપો થઈ રહ્યા છે. બીજી બાજુ હાઈકોર્ટે પણ કચ્છની જમીન મામલે સરકારને ઝાટકી છે. કોર્ટે ત્યાં સુધીની ટકોર કરી છે કે તમે કોઈ ઔદ્યોગિક જૂથની વકીલાત ન કરો, તમે સરકારના પ્રતિનિધિ છો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત