અંબાજીના પ્રસાદ માટે આવેલા ઘી મામલે અધિકારીએ શું કહ્યુંઃ

અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘી ના સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી બહાર આવી હતી. આ અંગે અધિકારીએ માહિતી આપી હતી. જોકે આ ફૂડ સેમ્પલ ભાદરવી પૂનમ પહેલા લેવામાં આવ્યા હતા.
મોહિની કેટરસમાંથી લીધા હતા ઘી ના સેમ્પલ લીધા હતા અને ફુડ વિભાગે જેતે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળ નો પ્રસાદ બનાવે છે. પ્રસાદ બનાવનાર એજન્સી સામે નિયમોનુસાર કાર્યવાહી થશે. દરમિયાન મંદિર ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવે છે. આ જથ્થામાંથી 28 ઓગષ્ટ, 2023 ના રોજ કેટલાંક સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે 15 સપ્ટેમ્બર, 2023 ના રોજ આવેલ પરિણામોમાં ફેલ થયા હતાં. તેથી, ઘીના આ સમગ્ર જથ્થાને બાકાત કરવામાં આવ્યો હતો અને એનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ બનાસ ડેરીમાંથી ઘી લાવીને તેનો પ્રસાદમાં ઉપયોગ થયો હતો. ભાદરવી પૂનમના મહામેળામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને એમની ટીમ શ્રદ્ધાળુઓને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે એ માટે એજન્સી પર સતત દેખરેખ રાખતી હતી. આમ, મેળા દરમિયાન ભક્તોને સારી ક્વોલિટીનો પ્રસાદ મળી રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. કેટરર્સે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી.