ગુજરાતમાં ક્યાં આવેલું છે હાંસલપુર? PM મોદી સાથે શું કનેકશન, જાણો

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાંસલપુરમાં મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગને ભારતના મેક ઇન ઇન્ડિયા મિશનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાની સાથે તેમણે કહ્યું હતું કે હવે ભારત ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉત્પાદન કરવા તરફ આગળ વધી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત સેમી કંડક્ટરના ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી રહ્યું છે અને તેને વધુ વેગ આપવાની જરૂર છે.
મોદીએ વાગોળી ભૂતકાળની યાદો
પીએમ મોદીએ ભૂતકાળની યાદો વાગોળતા કહ્યું કે, વર્ષ 2012માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવી હતી. તેમનું વિઝન આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને મજબૂત કરવાનું હતું, જે આજે સાકાર થતું જોવા મળે છે. તેમણે કહ્યું કે ભારત પાસે લોકશાહીની શક્તિ અને પ્રતિભાનો વિશાળ ભંડાર છે, જે દરેક દેશ માટે “વિન-વિન” સ્થિતિનું નિર્માણ કરે છે.
નવી EV કાર પર ‘મેક ઇન ઇન્ડિયા’ લખેલું હશે
વડા પ્રધાને ઉમેર્યું કે સુઝુકી દ્વારા નિર્મિત વાહનો પહેલેથી જ જાપાનમાં નિકાસ થઈ રહ્યા છે અને હવે ઈવી નિકાસની પણ શરૂઆત થઈ ચૂકી છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે મારુતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી ભારતની સૌથી મોટી નિકાસકાર રહી છે અને હવે વિદેશોમાં ચાલનારી ડઝનબંધ નવી ઈવી કાર પર ‘મેક ઇન ઇન્ડિયા’ લખેલું હશે. જોકે હાંસલપુર ક્યાં આવેલું છે તે સૌ જાણવા માંગે છે. હાંસલપુર અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને તાલુકો માંડલ લાગે છે.
ચાર જિલ્લાની સીમાઓ ખૂબ નજીક
ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં બનનારી BEV (બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ) એટલે કે ઇ-વિટારાને વિશ્વના 100 દેશોમાં વેચવામાં આવશે. હાંસલપુર ગામ અમદાવાદમાં આવે છે. ગાંધીનગરથી તેનું અંતર 80 કિલોમીટર છે, જોકે આ ગામ એવી જગ્યાએ આવેલું છે, જ્યાં ચાર જિલ્લાની સીમાઓ ખૂબ નજીક છે.
હાંસલપુરની કેટલી છે વસ્તી
અમદાવાદમાં આવેલા આ હાંસલપુર ગામની વસ્તી પહેલા 2000-2200 લોકોની હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં સુઝુકીનો પ્લાન્ટ આવવાથી વસ્તી વધીને લગભગ 15 હજાર થઈ ગઈ છે. માંડલ તાલુકામાં આવતા આ ગામમાં પટેલ, ઠાકોર, ક્ષત્રિય, રાજપૂત અને ભરવાડ લોકોના ઘરો છે. ગુજરાત સરકારે આ વિસ્તારનો વિકાસ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન એટલે કે SIR તરીકે કર્યો છે.
મોદી સાથે શું છે કનેકશન
આ ગામ હાર્દિક પટેલની વિરમગામ વિધાનસભામાં આવે છે. હાર્દિક પટેલે જણાવ્યું કે આ હાંસલપુર ગામ મારી વિધાનસભાનું છેલ્લું ગામ છે, પરંતુ આજે આ ગામ આખી દુનિયામાં મારુતિ સુઝુકીની ઈવી વિટારા કાર પહોંચાડનાર પ્રથમ ગામ બની ગયું છે. આ ગામ ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 80 કિલોમીટર દૂર છે. અમદાવાદમાં આવતું આ ગામ બોર્ડર પર આવેલું છે. આ પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગૃહ જિલ્લો મહેસાણા શરૂ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લો પણ નજીક છે, જેને ‘સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર’ કહેવામાં આવે છે.
પીએમ સાથે હાર્દિકની મુલાકાત
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના હાંસલપુર ગામ પહોંચ્યા, ત્યારે હાર્દિક પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ ગુજરાત વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય છે. હાંસલપુર ગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરથી 100 કિલોમીટર દૂર છે. આ ગામ અમદાવાદ જિલ્લાની બોર્ડર પર આવેલું છે. એટલું જ નહીં, સુઝુકીના પ્લાન્ટમાં કેટલીક જમીન મહેસાણા જિલ્લાની પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતના આ ભાગને ઓટો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. હાંસલપુર અને તેની આસપાસના વિસ્તારમાં હોન્ડા સહિત અનેક કંપનીઓ હાજર છે. હાંસલપુરમાં બેટરીવાળી ઈ-વિટારાના નિર્માણથી ઓટો ક્ષેત્રમાં ગુજરાતનો દબદબો વધ્યો છે.