BJP આમ કરે તો એક કાંકરે બે પક્ષી મરશે કે વિવાદનો મધપુડો વધુ છંછેડાશે?
અમદાવાદઃ ગુજરાત (Gujarat) માં ભાજપ માટે સબ સલામત છે અને સતત ત્રીજી ટર્મમાં પણ તમામ 26 બેઠકો પર ભગવો લહેરાશે તેવી વાતો ચોમેર ચર્ચાતી હતી, પરંતુ ઉમેદવારોની યાદી બહાર પડતા જ પક્ષમાં યાદવાસ્થળી ઊભી થઈ હોવા જેવી સ્થિતિ સર્જાય છે, જેમાં બળતામાં ઘીની જેમ રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના(Purushottam Rupala) એક નિવેદને ભડકો કરી દીધો છે.
એક તરફ સાબરકાંઠા (Sabarkantha) અને વડોદરા (Vadodara)માં ઉમેદવારો સામે પક્ષમાં જ સખત વિરોધ છે, તેમાં હવે અમરેલીની બેઠક પણ જોડાઈ છે જ્યારે બીજી બાજુ પક્ષના કદાવર નેતા અને કેન્દ્રીય પ્રધાન રૂપાલા (Rupala) સામે વિરોધનો વંટોળ શમવાનું નામ લેતો નથી. દલિત સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે અજુગતું બોલ્યા બાદ ક્ષત્રિય સમાજની માફી માગવા દલિત સમાજને નારાજ કરી રૂપાલાએ બેવડી મુસિબતો વહોરી છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની જીદ લઈને બેઠો છે. કરણી સેના આક્રમક બનતી જાય છે. બીજી બાજુ રૂપાલા જેવા વરિષ્ઠ નેતાની ટિકિટ પાછી લેવાનો નિર્ણય પણ પક્ષ માટે સહેલો નથી.
ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપ એક કાંકરે બે પક્ષી મારવાનો વિચાર કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પક્ષ રૂપાલાને રાજકોટથી ખસેડી વડાદરાની ભાજપની સૌથી સુરક્ષિત બેઠક પરથી લડાવે તેવી સંભાવના છે. આમ થવાથી ક્ષત્રિયોનો રોષ શમી જશે અને વડોદરામાં પણ એક મજબૂત નેતા મળી જઝે, તેવું ગણિત ભાજપનું છે જોકે આમાં ભયસ્થાન એ છે કે વડોદરામાં પહેલેથી નારાજગી છે. પહેલા રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ મળતા પક્ષમાં પૉસ્ટર વૉર શરૂ થઈ ગઈ હતી.
છેવટે રંજનબેને હથિયાર હેઠા મૂકી પોતે ચૂંટણી લડવા નથી માગતા તેમ કહી ખસી જવું પડ્યું. ત્યારબાદ ભાજપે હેમાંગ જોષીને ટિકિટ આપી, પરંતુ પક્ષના કાર્યકરોમાં જાણીતું ન હોય તેવું આ નામ ફરી વિવાદોમાં ચગ્યું. મળતી માહિતી અનુસાર હેમાંગ જોષીએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે, પરંતુ તેમનો વિરોધ યથાવત છે. હવે રૂપાલાને આયાતી ઉમેદવાર તરીકે પક્ષ ન સ્વીકારે તો ફરી વડોદરાનું કોકડું ગૂંચલાયેલું રહે. આ સાથે ક્ષત્રિય સમાજ ચોમેરથી નારાજ છે. તેમાં કરણી સેના જોડાતા અન્ય જગ્યાએથી પણ તેમને લડાવવા કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ છે.
આ સાથે રાજકોટમાં હજુ સુધી બીજા કોઈ ઉમેદવારનું નામ બોલાતું નથી. કડવા પટેલ ઉમેદવાર એવા રૂપાલાની ઉમેદવારી પાછી લઈ લેઉઆ પટેલને આપવાનું પણ ભારે પડી શકે તેમ છે, તો અન્ય કોઈ સમુદાયના પ્રતિનિધિને આપે તો પણ પટેલ સમુદાયની નારાજગી વહોરવી પડે તેમ બને. આ સાથે પક્ષમાં પણ ઉમેદવારો બદલવાની માગણીઓ વધતી જાય અને દરેકને સંતોષવી પક્ષ માટે શક્ય બને તેમ નથી.
આ બધા વચ્ચે પક્ષનું મોવડી મંડળ શું નિર્ણય લે છે અને તેના કેવા પડઘા પડે છે તે જોવાનું રહ્યું.