આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ મુખ્ય પ્રધાને શું આપી સૂચના?

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદના કારણે ઘણી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાને પણ ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા જિલ્લા કલેકટર્સને સૂચના આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની તેમ જ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર

પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીને બચાવાયાં

ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થી અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પૂરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. વરસાદ ધીમો પડતા અને પાણીનો પ્રવાહ ઘટતા સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર માનવ સાંકળ બનાવી તમામ બાળકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.

જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય

ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું. આ ઘટના અંગે તાત્કાલિક તાલુકા તંત્રને જાણ થતા, મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામ લોકોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાવચેતીના ભાગરૂપે જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. જરૂર પડે તો સ્થિતિમાં એર લિફ્ટિંગની તૈયારીઓ પણ રાખવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button