નવસારીમાં એવું તો શું થયું કે ,સી આર પાટિલે ફોર્મ ભરવાનું જ માંડી વાળ્યું ?

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની દુદુંભી વાગી રહી છે જેનો કલશોર ગુજરાતમાં ચોતરફ સંભળાઈ રહ્યો છે. પોતાનો વટ્ટ અને ઠસ્સો દર્શાવવા ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા કા તો જનસભામાં મેદની એકત્રિત કરે છે અથવા તો ફોર્મ ભરવા જતી વેળાએ મોટા રોડ શોથી પાર્ટી-સમર્થકો અને પ્રભાવના દર્શન કરાવવાનું ચુકતા નથી. આજે અમદાવાદમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો અને જ્નસભા છે ત્યારે તેઓ શુક્રવારે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવશે. બીજી તરફ નવસારીના બે ટર્મ સાંસદ રહેલા સી આર પાટિલ ગુરુવારે (આજે ) વિજય મૂહુર્ત 12.39 વાગ્યે પોતાનું નામાંકન કરવાના હતા.પણ કલેકટર ઓફિસ પહોચતા જ ઘડિયાળમાં જોયું, તો તેઓ પણ ક્ષણિક ધબકારો ચૂકી ગયા હતા. ઓ.. તા.. રી.. ની,વિજય મૂહુર્ત તો નીકળી ગયું ?
કેમ ચૂકી ગયા વિજય મૂહુર્તનો અવસર ?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સતત બે ટર્મથી સાંસદ સી આર પાટિલ આજે મસમોટી રેલી સાથે લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી પ્રસ્થાન થયા હતા. રેલી લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચી હતી. સી આર પાટિલના નામાંકન માટે આ રેલીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. 12.39ના વિજય મૂહુર્તને ધ્યાનમાં લઈને કલેકટર ઓફિસે નામાંકન માટે જવાનું હતું. રેલીમાં અન્ય આકર્ષણ હતા લોક ગાયક કીર્તીદાન ગઢવી અને ‘ડાયરા ક્વિન’ ગીતા રબારી. રેલીમાં ધીમે ધીમે કરતાં અંદાજિત એક લાખની ભીડ એકત્રિત થઈ ગઈ હતી, સૂત્રો કહે છે તેમ કીર્તીદાન અને ગીતાના કંઠના કામણમાં ઉપસ્થિત ભીડ એકાકાર થઈ ગઈ હતી. રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તો નવવારી સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો હતો. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ ઝૂમતા રહ્યાં હતા.
ડાયરાની જમાવટ. રેલીની ભીડથી ચૂક્યા સમય
એક લાખની ભીડ અસંખ્ય વાહનો અને ઉપરથી ગુજરાતનાં બે દિગ્ગજ લોકગાયકોના લાઈવ પર્ફોર્મન્સના કારણે કલેકટર ઓફિસના પ્રાંગણમાં પહોચતા સી આર પાટિલને મોડુ થઈ ગયું. પાટિલ તો ઇચ્છતા જ હતા કે આજે જ નામાંકન થઈ જાય જેથી શુક્રવારના નિર્ધારિત કાર્યક્રમમાં કોઈ ખલેલ ના આવે. પરંતુ નિર્ધારિત 12.39 નું વિજય મુહૂર્ત નીકળી જતાં પાટિલને ભવ્ય રેલી અને જન સમર્થનનો જેટલો આનદ હતો તેટલો જ અફસોસ આજે ઉમેદવારી ના કરી શકવાનો થયો.
પાટિલનું નામાંકન ક્યારે ?
નવસારીના સાંસદ સી આર પાટિલના આજે અવસર ચૂક્યા બાદ હવે તેઓ શુક્રવારે પોતાનું ફોર્મ ભરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ શુક્રવારે જ ગાંધીનગર બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કરશે ત્યારે તેઓ સાથે સી આર પાટિલ નહીં હોય.