આપણું ગુજરાત

CR પાટીલનાં વિરોધી સુરતનાં મહિલા નેતાએ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત પછી શું ભાંગરો વાટ્યો ?

સુરતઃ તાજેતરમાં ગુજરાત ભાજપની નવી સંગઠન ટીમ જાહેર થઈ હતી. જેમાં 10 ઉપ પ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. જગદીશ પંચાલની નવી ટીમમાં CR પાટીલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતા ઝંખના પટેલને જગદીશ પંચાલે પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યા હતા. નિમણૂક બાદ તેઓ સોમવારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો પરંત કેપ્શન ખોટું લખ્યું હતું.

ઝંખના પટેલે પોસ્ટમાં પ્રદેશ ઉપપ્રમુખના બદલ સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવા માટે પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને પક્ષના આંતરિક વર્તુળોમાં કટાક્ષ શરૂ થતા, ઝંખનાબેન પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી. કલાકો સુધી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર રહ્યા બાદ આખરે જૂની પોસ્ટ ડિલીટ કરી નવી પોસ્ટ અપલોડ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં આ છબરડો રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

કોણ છે ઝંખના પટેલ

ઝંખના પટેલ સુરતના પૂર્વ ધારાસભ્ય છે. ઝંખના પટેલ 2017ની વિધાનસભામાં સુરતની ચોર્યાસી બેઠક પરથી 1,10,819ની લીડથી જીત્યા હતા. અગાઉ 2016ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના સ્થાને સંદીપ દેસાઈને ટિકિટ આપી હતી. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાંથી પણ દૂર રાખવામાં આવતા હતા. જેના કારણે તેમના રાજકારણનો અંત આવી ગયો હોવાનું લાગતું હતું પરંતુ જગદીશ પંચાલે તેમને પ્રદેશ ઉપપ્રમુખ બનાવીને સૌને ચોંકાવી દીધા છે.

ઝંખના પટેલ પૂર્વ ધારાસભ્ય રાજા પટેલના પુત્રી છે. રાજા પટેલ 1985માં ભાજપમાં જોડાયા હતા. તેમના પિતા પણ કોળી સમાજના અગ્રણી નેતા હતા અને તેમણે ચોર્યાસી વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પિતાના વારસાને આગળ ધપાવતા ઝંખના પટેલે પણ સમાજમાં પોતાની પકડ જાળવી રાખી હતી.

રાજા પટેલે કાંઠા વિસ્તારમાં સરપંચ તરીકે તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, એ સમયે ભાજપનું એટલું પ્રભુત્વ નહોતું, પરંતુ રાજા પટેલ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમના વિસ્તારમાં સતત ભાજપ સમર્થિત વિચારધારાના લોકો સરપંચ બને એવો પ્રયાસ કર્યો હતો અને તેમાં તેઓ ખૂબ જ સફળ થયા હતા અને આ જ કારણ હતું કે તેઓ સતત દસ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. તેમની પકડ નાના નાના કાંઠા વિસ્તારનાં ગામોમાં ખૂબ જ મજબૂત હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button